Edible Oil Price: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની ભારે આવક શરુ થઈ ગઈ છે. ચાલુ વર્ષે પાછોતરો વરસાદ મગફળીના પાક માટે રાહતરુપ સાબિત થતાં ઉત્પાદનના અંદાજમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, ભેજવાળા માલને કારણે હાલ બજાર અને તેલ મિલોમાં ખરીદીની સ્થિતિ અને તેલના ભાવમાં ખાસ્સા ફેરફારો જોવા મળ્યા છે.
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો
બજારમાં તેલના ભાવમાં બહુ મોટી વધઘટ નોંધાઈ નથી, છતાં છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ડબ્બા દીઠ રૂ. 10 થી 15 નો વધારો થયો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બા દીઠ રૂ. ૨૦ નો વધારો નોંધાયો છે. હાલમાં માર્કેટિંગ યાર્ડ અને ઓઈલ મીલોમાં નવી મગફળીની આવક ચાલુ છે, પરંતુ તેમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે મીલો દ્વારા ખરીદી થોડી ધીમી ગતિએ કરવામાં આવી રહી છે.
દશેરા અને ધનતેરસે પિલાણ કાર્ય
તેલનો પુરવઠો જાળવી રાખવા માટે મીલો દ્વારા જૂની અને નવી મગફળી મિક્સ કરીને પિલાણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક મીલોએ દશેરાના શુભ મુહૂર્તથી પિલાણ શરુ કરી દીધું છે. અન્ય બાકી રહેલી મીલો ધનતેરસથી પિલાણ કાર્ય શરુ કરશે.
દિવાળી પછી તેલના ભાવ ઘટવાની શક્યતા
વેપારીઓ અને મીલ માલિકોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર બાદ બજારમાં સુકી મગફળીનો પૂરતો જથ્થો આવવા લાગશે. તે પછી જ ઓઇલ મીલોમાં પિલાણ પૂરા જોશમાં શરુ થશે. જ્યારે પિલાણ પૂર્ણ ક્ષમતાથી શરુ થશે, ત્યારે તેલના ડબ્બાના ભાવમાં રૂ. 30થી 40 સુધીનો ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
