ગોંડલ: સાસરે જતાં પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, કાર-એક્ટિવા વચ્ચે ભયાનક ટક્કર; પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

ધોધાવદર અને રામોદ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસરે જઈ રહેલા પતિ-પત્ની અને તેમના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 01:56 PM (IST)Updated: Sun, 27 Sep 2026 01:56 PM (IST)
gondal-dhodhavadar-ramod-car-activa-accident-three-family-members-death
Gondal Road Accident

Gondal Road Accident: ગોંડલ પંથકમાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ધોધાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, ટક્કર બાદ એક્ટિવાના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામે રહેતા જયેશભાઈ બગડા તેમના પત્ની શારદાબેન અને પુત્ર વ્રજ બગડા સાથે એક્ટિવા પર સવાર થઈને રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ધોધાવદરથી રામોદ તરફ જતા માર્ગ પર સામેથી આવી રહેલી એક બેકાબૂ કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી.

આ ભીષણ ટક્કરમાં જયેશભાઈ બગડા, શારદાબેન બગડા તેમજ વ્રજ બગડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને ત્રણેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી વિગત અનુસાર, અકસ્માત સર્જનાર કારમાં સવાર લોકો આણંદના હતા, અને સાળંગપુરથી દર્શન કરી અક્ષર ડેરીએ દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ કાર પણ એક ખાડામાં પલટી ગઈ હતી.

એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અકાળે મોત થતાં અનિડા ભાલોડી તેમજ રામોદ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું અને ગમગીની છવાઈ ગઈ છે. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તેમજ ગોંડલ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.