Rajkot News: ઉપલેટા નજીક ઢાંક ગામમાં એક એવું અનોખું ગણપતિ મંદિર આવેલું છે, જે 5000 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ગણપતિ દાદાનું વાહન મૂષક નહીં, પણ સિંહ છે, જે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અહીં જોવા મળે છે. મંદિરના પુજારી ભરતગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ, અહીં ગણેશજીની મૂર્તિ દર 20 વર્ષે એક ચોખાના દાણા જેટલી વધે છે, જેના કારણે દર બે દાયકે તેમનો મુગટ બદલવો પડે છે. આ મંદિર ભક્તો પાસેથી કોઈ દાન કે ફંડફાળો લેતું નથી.
ઢાંકના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના પુજારી ભરતગીરી ગોસ્વામી જણાવે છે કે, આ મંદિરની પરંપરા પ્રમાણે ભક્તો તેમના જીવનની સમસ્યાઓ ટપાલ દ્વારા ગણેશજીને મોકલે છે. તેઓ આ પત્રો એકાંતમાં વાંચીને દાદાને સંભળાવે છે અને નિવારણ માટે પ્રાર્થના કરે છે. તેઓ કહે છે કે 35 વર્ષ પહેલાં લોકો લગ્ન કે સારા પ્રસંગોની કંકોતરી મોકલતા, પરંતુ હવે ગૃહકલેશ, બીમારી, આર્થિક સંકડામણ જેવી મુશ્કેલીઓની ચિઠ્ઠીઓ જ વધુ આવે છે. ગણેશોત્સવ દરમિયાન તો દરરોજ 200થી વધુ ટપાલ આવે છે, જેના કારણે પત્રો વાંચવા માટે પણ પૂરતો સમય મળતો નથી.
ઢાંકમાં સ્થિત ગણપતિ મંદિર દેશભરમાં એક અનોખી પરંપરા માટે જાણીતું બન્યું છે. અહીં ભક્તો રૂબરૂ દર્શને ન આવી શકે તો ટપાલ દ્વારા પોતાની મનોકામનાઓ અને સમસ્યાઓ ભગવાનને મોકલે છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી આ પરંપરાને કારણે જ મંદિરની આસ્થા વધુ દ્રઢ બની છે. પુજારી ભરતગીરી દરેક પત્ર ગુપ્ત રીતે વાંચીને ગણેશજીને સંભળાવે છે અને તેના નિવારણ માટે પ્રાર્થના કરે છે. આ પરંપરાએ ભક્તો અને ભગવાન વચ્ચે એક અનોખો સેતુ બનાવ્યો છે, જેના કારણે અહીં હજારો ભક્તો દર્શન અને માનતા માટે આવે છે.