રાજકોટ: ફટાકડા ફોડતી 4 વર્ષની બાળકી ગંભીર રીતે દાઝી, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ અકસ્માત અંગે જાણ થતાં જ માલવીયાનગર પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 04:48 PM (IST)Updated: Sat, 07 Nov 2026 04:48 PM (IST)
four-year-old-girl-seriously-burned-while-bursting-firecrackers-in-rajkot
AI Generated Image

Rajkot News: રાજકોટ શહેરના અમરનગર વિસ્તારમાંથી એક કરુણ બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા એક શ્રમિક પરિવારની 4 વર્ષની માસુમ બાળકી ઘર પાસે ફટાકડા ફોડતી વખતે અકસ્માતે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ બનાવ બનતા જ પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, અમરનગર વિસ્તારમાં આવેલ અશોક ગાર્ડન પાસે રહેતી પિંકીબેન રાહુલભાઈ પાસવાન નામની 4 વર્ષની બાળકી ગઈકાલે બપોરના 3:00 વાગ્યાના અરસામાં ઘર નજીક ફટાકડા ફોડી રહી હતી. અચાનક ફટાકડામાંથી તીખારો ઉડીને બાળકીના કપડા પર પડ્યો, જેના કારણે જોતજોતામાં કપડામાં આગ પકડાતાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ઘટના બાદ પરિવારજનો બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. બીજી તરફ, પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને રાજકોટમાં શ્રમ કાર્ય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાળકી પોતાના પરિવારમાં 2 ભાઈ અને 1 બહેનમાં સૌથી નાની છે. કરુણ અકસ્માત અંગે જાણ થતાં જ માલવીયાનગર પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.