રાજકોટ મનપાનું હીટલિસ્ટ તૈયાર: બાકી વેરો નહિ ભરો તો દેવ દિવાળી બાદ મિલકત થશે સીલ, નળ કનેક્શન કપાશે

રાજકોટ મહાનગરપાલિકા દેવ દિવાળી પછી રૂ. 50 હજારથી વધુના વેરા બાકીદારો સામે આકરી વસુલાત ઝુંબેશ શરૂ કરશે. નાણાકીય સ્થિતિ સુધારવા મનપા આવા બાકીદારોની મિલકતો સીલ કરશે અને નળ જોડાણ કાપશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 07:46 PM (IST)Updated: Fri, 06 Nov 2026 07:46 PM (IST)
rajkot-municipal-corporation-hitlist-800-property-tax-defaulters-to-face-sealing-after-dev-diwali


Rajkot: રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી ખરેખર કમુરતા સમાન કપરા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે.

મનપાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂ. 50 હજારથી વધુનો વેરો બાકી ધરાવતા તમામ બાકીદારો સામે સખ્તાઈથી પેશ આવવા માટે અત્યારથી જ વોર્ડ વાઈઝ હિટલિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવા બાકીદારોની મિલકતના નળજોડાણ કાપવા, સીલ કરી દેવા માટે દેવ દીવાળી બાદ આકરી વસુલાત ઝૂંબેશનો તખ્તો ઘડાયો હોવાનું ટેક્સ બ્રાન્ચના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આર્થિક કટોકટીની સીધી અસર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર પણ વર્તાઈ રહી છે. ખાડી યુદ્ધ બાદ આવેલી આર્થિક અસ્થિરતા અને કટોકટીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ ઓટ આવી છે. આ ઉપરાંત, ડામર, પેટ્રોલિયમ પેદાશો અને અન્ય જરૂરી સામગ્રીના ભાવોમાં થયેલા ધરખમ વધારાને કારણે મનપાના ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જેની નકારાત્મક અસર રાજકોટ મનપાના નાણાકીય માળખા પર પડી છે.

નાણાકીય વર્ષ દરમિયાન આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવી રાખવું તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. આ જ કારણોસર, મનપા દ્વારા આ વર્ષે વહેલાસર અને આક્રમક વસુલાત ઝુંબેશ શરૂ કરવા માટેનું સંપૂર્ણ ફૂલપ્રુફ પ્લાનિંગ પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી સમયસર ભંડોળ એકત્ર કરી શકાય અને શહેરી વિકાસના કામોમાં અડચણ ન આવે.