સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થિનીઓની છેડતીનો આરોપ; NSUIએ મોઢું કાળું કરી પૂતળા દહન કર્યું

આબુ ટુર દરમિયાન થયેલી આ ઘટનાના પડઘા અમરેલીમાં પણ પડ્યા છે. અમરેલી જિલ્લા વિદ્યાસભાએ ગિરીશ ભીમાણીને નિયામક (કોલેજ વિભાગ)ની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Jan 2026 12:20 PM (IST)Updated: Fri, 16 Jan 2026 12:20 PM (IST)
former-saurashtra-university-vice-chancellor-girish-bhimani-accused-of-molesting-female-students-nsui-blackens-his-face-and-burns-his-effigy

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપો ઉઠતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાજકોટ ખાતે આક્રમક દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં કાર્યકરોએ ભીમાણીનું શાહીથી મોઢું કાળું કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

આબુ પ્રવાસ દરમિયાન છેડતીનો આક્ષેપ

મળતી વિગતો અનુસાર, ગિરીશ ભીમાણી પર આરોપ છે કે માઉન્ટ આબુના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન તેમણે 10 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. આ ઘટના બહાર આવતા જ શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ હતી. ગંભીરતાને જોતા ગજેરા સંકુલે તાત્કાલિક અસરથી ગિરીશ ભીમાણીને તમામ પદો પરથી દૂર કરી દીધા છે.

NSUIનો આક્રમક વિરોધ

ગુરુવારે NSUIના કાર્યકરોએ ગિરીશ ભીમાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પૂતળાનું દહન કર્યું હતું.

  • રાજકીય રક્ષણનો આક્ષેપ: NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ભીમાણી ભાજપ સાથે જોડાયેલા હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે.
  • સમાધાનની ચર્ચા: સોલંકીએ જણાવ્યું કે આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન કરી લેવાયું હોવાથી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જે અત્યંત આઘાતજનક છે.
  • મુખ્ય માંગ: NSUI એ માંગ કરી છે કે આબુની જે હોટલમાં રોકાણ કરવામાં આવ્યું હતું તેના CCTV ફૂટેજ તપાસવામાં આવે અને ભીમાણી વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવામાં આવે.

શૈક્ષણિક સંસ્થાઓની કાર્યવાહી

આબુ ટુર દરમિયાન થયેલી આ ઘટનાના પડઘા અમરેલીમાં પણ પડ્યા છે. અમરેલી જિલ્લા વિદ્યાસભાએ ગિરીશ ભીમાણીને નિયામક (કોલેજ વિભાગ)ની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા છે.

હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ સામાજિક અને શૈક્ષણિક સ્તરે ભીમાણી સામેનો વિરોધ તેજ બન્યો છે. શિક્ષણધામમાં બનેલી આ ઘટનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.