રાજકોટ.
ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા ગુજરાતને બિપોરજોય વાવાઝોડાએ ધમરોળતા ગુજરાતના ઉદ્યોગો ઉપર માઠી અસર થઈ છે. તા.15ના મોડી સાંજે આવેલ વાવાઝોડાએ કચ્છમાં ખાના-ખરાબી સર્જતા વીજ પૂરવઠો મોટાભાગના વિસ્તારમાં ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત દેશના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટેના અગ્રગણ્ય બંદર કંડલા અને મુન્દ્રા પોર્ટ પર પણ શિપિંગ ઓપરેશન્સને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અંદાજ મુજબ આશરે રૂા.5000 કરોડનો ફટકો ગુજરાતના ઔદ્યોગિક ઉત્પાદન અને વેપારને પડશે.
વાવાઝોડા બિપોરજોયને લીધે કંડલા અને મુન્દ્રા બંદરથી થતી ઈમ્પોર્ટ-એક્સપોર્ટની કામગીરી, નવલખી અને મોરબીના દરિયાકાંઠા પર આવેલ મીઠાના ઉત્પાદક એકમો, જામનગરના બ્રાસપાર્ટના યુનિટો, મોરબીની સિરામીક અને સેનેટરીવેરની ફેક્ટરીઓ, ગાંધીધામથી સમગ્ર દેશમાં શિપીંગ ટ્રાન્સપોર્ટેશન જેવા અનેક ક્લસ્ટરોમાં મોટાપાયે કામગીરી ખોરવાઈ ગઈ છે.
આ બધા વિસ્તારમાં વીજ સપ્લાય કરતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલ યુદ્ધના ધોરણે ખોરવાયેલા વીજ પૂરવઠાને પૂર્વવત કરવા કામગીરી ચાલુ છે. જો કે 100 ટકા વીજ સપ્લાય ચાલુ કરવા માટે હજુ પણ 4-5 દિવસ લાગે તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે.
હાલ મોરબી અને નવલખીના મીઠા ઉત્પાદક યુનિટોમાં વરસાદને લીધે મોટાભાગનું તૈયાર મીઠુ ધોવાઈ ગયું છે. અંદાજે 5 લાખ ટન મીઠુ ઓગળી જતાં ઈન્ડસ્ટ્રીયલ મીઠાના ભાવમાં પણ વધારો થવાનો અંદાજ છે.
આ ઉપરાંત 1 હજાર ટાઈલ્સ અને સેનેટરીવેરની ફેક્ટરીઓ 10 દિવસ સુધી બંધ કરી દેવાઈ છે, જેને લીધે પણ 450 કરોડનું નુકસાન થવાની ધારણા છે. જામનગરમાં બ્રાસપાર્ટના 9 હજાર યુનિટો પૂર્વવત્ થતા હજુ એક અઠવાડિયું લાગે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.
5 લાખ ટન મીઠું ધોવાઈ ગયું, ભાવવધારો થશે
મોરબી અને નવલખી ગુજરાતના ટોટલ મીઠાના ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. અત્યારે મીઠાના ઉત્પાદનની સિઝન પૂરી થવામાં જ હતી અને 500થી વધુ મીઠાના એકમોમાં ઉત્પાદન કરેલ મીઠાનો સ્ટોક તૈયાર પડેલો હતો. મરીન સોલ્ટ મેન્યુ. એસો.ના અંદાજ મુજબ, બિપોરજોય વાવાઝોડાને લીધે 5 લાખ ટન મીઠાના તૈયાર ઢગલા ધોવાઈ ગયા છે. આગોતરી જાણ અને ચેતવણી આપ્યા છતાં આટલો મોટો સ્ટોક ફેરવવો શક્ય જ ન હતો. અંદાજે 500 એકમોમાં 5 લાખ ટન મીઠુ ધોવાઈ જતા ઔદ્યોગિક મીઠાના ભાવમાં વધારો નોંધાશે.
મોરબી સિરામિક ઈન્ડ.ને 450 કરોડનો પ્રોડક્શન લોસ
એશિયાના સૌથી મોટા સિરામીક અને ટાઈલ્સ ઉત્પાદક ક્લસ્ટર મોરબીને વાવાઝોડા બિપોરજોયને લીધે 450 કરોડના નુકસાન થવાનો અંદાજ છે અંદાજિત 1000 ટાઈલ્સ અને સેનેટરીવેરની ફેક્ટરીઓને 15 જૂનથી 10 દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેને લીધે અંદાજિત પ્રોડક્શન લોસ જ 450 કરોડથી વધુ થવાની ધારણા મોરબી સિરામીક એસો.ના પૂર્વ પ્રમુખ કે.જી.કુંડારિયા દ્વારા વ્યકત કરવામાં આવી હતી.
જામનગર બ્રાસપાર્ટને પાટે ચડતા અઠવાડિયું થશે
બિપોરજોયની આગાહીને પગલે જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગ દ્વારા બે દિવસ 14 અને 15 જૂનના રોજ સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યો હતો ત્યારબાદ તા.15ના રોજ રાત્રે વાવાઝોડુ ટકરાતા ભારે પવનને લીધે જીઆઈડીસીના ફેઝ-2 અને 3માં મોટપાયે વિજપોલ ધરાશાયી થતાં પાવર પૂરવઠો ઠપ્પ થઈ ગયો હતો જેના પગલે પીજીવીસીએલની 117 ટીમો દ્વારા બંધ ફીડરો ચાલુ કરવાની કામગીરી ચાલુ છે હજુ સંપૂર્ણપણે 9000 યુનિટને કાર્યરત થતાં એક અઠવાડીયું લાગશે.
