Rajkot Highway Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત; મુખ્ય વિગતો 10 મુદ્દામાં સરળ રીતે સમજો

Chotila-Rajkot Highway Bus Accident Update: આ કરૂણ દુર્ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે,. આ સમગ્ર ઘટનાના મુખ્ય 10 મુદ્દામાં સરળ રીતે સમજો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 14 May 2026 11:38 AM (IST)Updated: Thu, 14 May 2026 11:39 AM (IST)
chotila-rajkot-highway-bus-tanker-fire-accident-report-summary-details

Chotila-Rajkot Highway Bus Accident Update: ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદથી ચોટીલા તરફ જતી એક ખાનગી લક્ઝરી બસ ડામર ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા આગની લપેટમાં આવી ગઈ હતી,. આ કરૂણ દુર્ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે,. આ સમગ્ર ઘટનાના મુખ્ય 10 મુદ્દામાં સરળ રીતે સમજો.

1. અકસ્માત ક્યાં અને ક્યારે થયો?

    આ ગોઝારી ઘટના મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યાની આસપાસ ચોટીલા તાલુકાના સાંગાણી ગામના પાટિયા પાસે બની હતી.

    2. અકસ્માત કેવી રીતે થયો?

      માર્ગ પર ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. પાછળ આ ખાનગી બસ પોતાની સ્પીડમાં આવી રહી હતી. ટ્રાફિક પણ નોર્મલ અને અવર જવર સામાન્ય હતી. ટેન્કરનું અચાનક ટાયર ફાટતા તેની ગતિ ધીમી પડી ગઈ હતી અને પાછળથી પૂરઝડપે આવતી ટ્રાવેલ્સની બસ તેમાં પાછળથી ઘૂસી ગઈ હતી.

      3. બસમાં આગ લાગી ગઈ

        બસ અને ટેન્કર વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે શોર્ટ સર્કિટને કારણે બસમાં ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી.

        4. મુસાફરોની ચિચિયારીઓ

          બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, થોડીવાર તો તેમને સમજવામાં લાગી કે શું થયું. આગને જોતા જ મુસાફરો બૂમો પાડવા લાગ્યા. જાગી ગયેલા લોકો કાચ તોડી તોડી બહાર નીકળવા લાગ્યા. 4 લોકોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

          5. અગ્નિકાંડમાં 4ના મોત

            દુર્ભાગ્યવશ, બસમાં ફસાયેલા 4 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયા છે.

            6. ગરમ ડામરે મુશ્કેલી વધારી

              જીવ બચાવવા માટે જે મુસાફરોએ બારીમાંથી કૂદકો માર્યો, તેઓ નીચે ઢોળાયેલા ગરમ ડામર પર પડ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

              7. હાજર લોકો દેવદૂત બન્યા

                રજા પર આવેલા અને આસામમાં ફરજ બજાવતા BSF જવાન નરેન્દ્રભાઈ રાઠોડ પોતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં બહાદુરી બતાવી અનેક મુસાફરોને બારીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

                8. બચાવ કામગીરી

                  ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ધોકા તેમજ પાઈપ વડે કાચ તોડીને અંદાજે 20 થી 25 લોકોનો જીવ બચાવ્યો હતો.

                  9. DNA ટેસ્ટથી ઓળખ

                    મૃતકોના શરીર એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે, હવે માત્ર DNA ટેસ્ટ દ્વારા જ તેમની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

                    10. તંત્રની કામગીરી

                      ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે SDM અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.