ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયાનક બસ દુર્ઘટના, 4 મુસાફરો જીવતા સળગ્યા; પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યા હૃદય કંપાવી દેતા દ્રશ્યો

ડામર ભરેલા ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે થયેલી ભીષણ અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળતાં 4 મુસાફરો જીવતા સળગી ગયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 14 May 2026 11:09 AM (IST)Updated: Thu, 14 May 2026 11:18 AM (IST)
chotila-rajkot-highway-burning-bus-fire-eyewitness-report

Chotila-Rajkot Highway Bus Accident: ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક દિલ દહોળી નાખે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ડામર ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ વચ્ચે થયેલી ભીષણ અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળતાં 4 મુસાફરો જીવતા સળગી ગયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અનેક લોકોએ બારીના કાચ તોડી બહાર કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો.

અકસ્માત કેવી રીતે થયો?

પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે આશરે 1:30 વાગ્યે હાઈવે પરથી પસાર થઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં ટેન્કરે કાબૂ ગુમાયો હતો. એ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ટેન્કર સાથે જોરદાર અથડાઈ હતી.

અથડામણ એટલી ભયાનક હતી કે બસમાં તરત જ શોર્ટ સર્કિટ સર્જાયું અને પળવારમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ. ઊંઘમાં રહેલા મુસાફરોને કંઈ સમજાય તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બસમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

4 લોકોના કરુણ મોત, ઓળખ માટે DNA ટેસ્ટની જરૂર

આ અકસ્માતમાં 4 વ્યક્તિઓ બસની અંદર જ ફસાઈ જતાં જીવતા સળગી ગયા હતા. મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે, જેના માટે હવે DNA ટેસ્ટ કરવામાં આવશે. ઈજાગ્રસ્ત 10 મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના પાર્થિવ દેહને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર અને પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન

ઘટના અંગે માહિતી આપતા ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, 'અમદાવાદથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસ અને ડામર ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ ડમ્પરનું ટાયર ફાટતા આ ઘટના બની છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરી અંદાજે 35 થી 40 મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.'

પ્રત્યક્ષદર્શી અજય મેવાડાએ જણાવ્યું કે, 'અકસ્માત બાદ આગ ઝડપથી ફેલાઈ રહી હતી કારણ કે ટેન્કરમાંથી ગરમ ડામર ઢોળાઈ રહ્યો હતો. અમે પેટ્રોલ પંપ પરથી ફાયર સેફ્ટીના સાધનો લાવ્યા અને બસના કાચ તોડીને આશરે 20 થી 25 મુસાફરોને બહાર કાઢ્યા હતા. જોકે, 4 લોકો એવી સ્થિતિમાં ફસાયા હતા કે તેમને બચાવવા અશક્ય હતા.'

BSF જવાનની બહાદુરી

આ દુર્ઘટનામાં રજા પર ઉતરેલા અને મણિપુરમાં ફરજ બજાવતા BSF જવાન નરેન્દ્રભાઈ રાઠોડ પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત સમયે પોતે દાઝી ગયા હોવા છતાં તેમણે બહાદુરી પૂર્વક અન્ય મુસાફરોને બસમાંથી બહાર કાઢીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.