રાજકોટમાં હલકા-વાસી નુડલ્સ સપ્લાયનું નેટવર્ક પકડાયુંઃ ફૂડ વિભાગનું 'ભારતી ફૂડ્સ'માં સરપ્રાઈઝ ચેકિંગ, 800 કિલોથી વધુ નુડલ્સનો નાશ

રાજકોટમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર દરોડો પાડી 800 કિલોથી વધુ વાસી નુડલ્સનો જથ્થો ઝડપ્યો. આ ઉપરાંત અન્ય બે સ્થળોએ પણ અખાદ્ય સામગ્રી મળી આવતા કાર્યવાહી કરાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Oct 2026 07:20 PM (IST)Updated: Tue, 27 Oct 2026 07:20 PM (IST)
bharati-foods-caught-supplying-stale-noodles-800-kg-destroyed-rs-10k-fine-imposed

Rajkot: રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ભરાતી ફૂડ સ્ટ્રીટ (ખાઉ ગલી) તેમજ વિવિધ વિસ્તારોમાં રેકડીઓ રાખીને ચાઇનીઝ ફૂડ વેચતા વેપારીઓ પાસે ચટાકો લેવા જતા સ્વાદરસિયાઓ માટે લાલબત્તી સમાન હકીકત સામે આવી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાને મળેલી ચોક્કસ માહિતીના આધારે મનપાની માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સ્થિત ‘ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ’ નામની પેઢી પર સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા સ્થળ પરથી આશરે 800 કિલોથી પણ વધુ વાસી, પડતર અને ઢોર પણ ન સુંઘે તેવી અત્યંત હલકી ગુણવત્તાનો હક્કા નુડલ્સ (લુઝ)નો જંગી જથ્થો મળી આવ્યો હતો.

મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર હાર્દિક મહેતાને એવી બાતમી મળી હતી કે, માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નં.46માં ભારતી ફૂડસ એન્ડ બેવરેજીસ નામની પે઼ઢીના યુનિગમાંથી શહેરની વિવિધ ખાણીપીણીની બજારો અને ચાઇનીઝ ફૂડની રેકડીઓ પર હલકી ગુણવત્તાના નુડલ્સ સપ્લાય કરવાનું એક તોસ્તાન નેટવર્ક ચાલી રહ્યુ છે. જેના આધારે દરોડો પાડવામા આવ્યો હતો.

આ દરમિયાન તડકે સૂકવવા મુકેલા હલકી ગુણવતાના નુડલ્સનો 800 કિલોથી વધુ જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થો નાશ કરી નુડલ્સના નમૂનાઓ એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ પેઢીના સંચાલકો પાસેથી સ્થળ પર જ રૂૂપિયા 10,000નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

રાજકોટ મનપાની આ કાર્યવાહીથી અખાદ્ય અને હલકી ગુણવત્તાનું ચાઇનીઝ ફૂડ વેચતા વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, આરોગ્ય વિભાગે શહેરીજનોને પણ અપીલ કરી છે કે બહારનું ખુલ્લું અને ચાઇનીઝ ફૂડ ખાતી વખતે ખાસ સાવચેતી રાખવી, કારણ કે સ્વાદના ચટાકામાં આરોગ્ય જોખમાઈ શકે છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત પેઢી સામે વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ધી વાઇટ કેફેમાંથી વાસી ફૂડ, મા વૈષ્ણવી કેળા વેફરમાંથી મળ્યુ દાઝેલુ તેલ

શહેરના કાલાવડ રોડ પર ભગીરથ ગ્રેનાઇટ પાસે આવેલા ધી ફેમસ કાફેમાં ફૂડ શાખાએ પાડેલા દરોડા દરમિયાન 31 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. તડપર સડેલુ શાકભાજી, એક્સપાયરી ડેટના પીઝા બેઝ, વાસી નુડલ્સ અને મન્ચ્યુરન સહિતનો આ જથ્થો નાશ કરવામા આવ્યો હતો.

એટલુ જ નહીં કાફેમાં ગંદકી પણ ખદબદતી હતી. મનપાએ દંડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ(પરાબજાર)માં આવેલા મા વૈષ્ણવી કેળા વેફરમાં દાઝિયા તેલમાં વેફર બનતી હોવાનું દરોડા દરમિયાન પકડાતા દંડ ફટકારાયો હતો.