Off Season Kesar Mango Porbandar: સૌરાષ્ટ્રની જગપ્રસિદ્ધ ’કેસર’ કેરી સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં અક્ષય તૃતિયા કે માર્ચ-એપ્રિલ મહિનામાં બજારમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ પોરબંદરની માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું અણધાર્યું અને આશ્ચર્યજનક આગમન થયું છે.
સામાન્ય મોસમ કરતાં પૂરા 6 મહિના વહેલી બજારમાં આવેલી આ કેસર કેરીએ વેપારીઓ અને ખેડૂતોમાં ભારે કૂતૂહલ સર્જ્યું છે. પોરબંદર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ખાતે યોજાયેલી ખાસ હરાજીમાં કેસર કેરીની માત્ર 4 પેટીઓ રૂ. 53,500ની મસમોટી કિંમતે વેચાઈ હતી.
APMC યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, બજારમાં આવેલી ચાર પેટીઓમાંથી ત્રણ પેટી રાણાવાવ વિસ્તારમાંથી અને એક પેટી હનુમાનગઢ ગામના એક બગીચામાંથી આવી હતી. હનુમાનગઢથી આવેલી 10 કિલોની કેસર કેરીની પેટી માટે વેપારીઓ વચ્ચે ભારે બોલી બોલાઈ હતી અને અંતે આ એક જ પેટી રૂ. 14,500 માં હરાજીમાં વેચાઈ હતી. કાળઝાળ મોંઘી અને બિન-સીઝનલ કેરી જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખરીદદારો યાર્ડમાં એકઠા થઈ ગયા હતા.
સામાન્ય રીતે કેસર આંબા પર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મોર (ફૂલ) બેસતા હોય છે અને માર્ચ-એપ્રિલ સુધીમાં કેરી પાકીને તૈયાર થતી હોય છે. જો કે બાગાયત ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ વર્ષે ચોમાસાના વરસાદની ખેંચ (અપૂરતો વરસાદ) અને ઓક્ટોબરમાં નોંધાયેલું અસાધારણ ઊંચું તાપમાન આ ફેરફારનું મુખ્ય કારણ હોઈ શકે છે. વાતાવરણના આ અણધાર્યા પલટાના કારણે આંબામાં સમય કરતાં ઘણો વહેલો ફાલ આવી ગયો અને કેરી પાકીને તૈયાર થઈ ગઈ.
સમય કરતાં 6 મહિના પહેલા જ કેરી તૈયાર થઈ જવાની આ ઘટનાથી બાગાયત નિષ્ણાતો અને આંબાના બગીચા ધરાવતા ખેડૂતો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બદલાતી આબોહવા અને ગ્લોબલ વોર્મિંગની અસર પાક ચક્ર પર કેવી રીતે પડી રહી છે તે અંગે હવે કૃષિ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
