Junagadh Market Yard Kesar Mango: સામાન્ય રીતે કાળઝાળ ઉનાળાની સિઝનમાં જ જે સ્વાદિષ્ટ અને રસદાર કેસર કેરીની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે, તે કેસર કેરીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અનોખો ઈતિહાસ રચ્યો છે. શિયાળાના પ્રારંભ વચ્ચે જૂનાગઢ અને પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી કેસર કેરીની આવક થતાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જાયું છે.
જૂનાગઢ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ ઘટના
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઓક્ટોબર મહિનામાં કેસર કેરીની આવક નોંધાઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. માધવપુર પંથકમાંથી યાર્ડમાં આશરે 20 કિલો જેટલી કેસર કેરી પહોંચી હતી. 26 ઓક્ટોબર 2026ના રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે આ ઓફ-સીઝન કેરીની સત્તાવાર હરાજી કરવામાં આવી હતી, જેમાં પ્રતિ કિલોના ભાવ ₹200 થી ₹230 સુધી બોલાયા હતા.
જૂનાગઢ યાર્ડના ફ્રુટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, "જૂનાગઢ યાર્ડમાં ઓક્ટોબર મહિનામાં કેસર કેરી આવી હોય તેવી આ પ્રથમ જ ઘટના છે. ભૂતકાળમાં ક્યારેય આ સમયે કેસર કેરી નથી આવી. અમે સબંધિત વેપારી અને ખેડૂત પાસેથી કેરીની સંપૂર્ણ વિગતો મેળવી લીધી છે."
પોરબંદર યાર્ડમાં બોલાયા રેકોર્ડબ્રેક ભાવ
બીજી તરફ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં રાણાવાવ અને હનુમાનગઢ ગામેથી કેસર કેરીના 4 બોક્સની આવક નોંધાઈ હતી. પોરબંદર યાર્ડમાં આ કમોસમી કેસર કેરીની હરાજી દરમિયાન 10 કિલોના બોક્સના ભાવ ₹14,000 સુધી પહોંચી ગયા હતા!
સ્થાનિકોમાં આ ઘટના અંગે રસપ્રદ ચર્ચા જાગી હતી કે તાજેતરમાં જ સરકારે પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને પાક નુકસાની સામે પ્રતિ હેક્ટર ₹8,500 ની સહાય જાહેર કરી છે, પરંતુ યાર્ડમાં આજે શિયાળાના પ્રારંભે આવેલી આ કેસર કેરીના ભાવ સરકારની દુષ્કાળ સહાય કરતાં પણ બમણા ઉપજ્યા હતા.
હવામાનમાં પલટો કે ખેતીનો કસબ?
સામાન્ય રીતે માર્ચથી જૂન મહિના દરમિયાન આવતી કેસર કેરી ઓક્ટોબરના અંતમાં માર્કેટમાં આવતા કૃષિ નિષ્ણાતો પણ આશ્ચર્યમાં પડ્યા છે. વાતાવરણમાં થયેલા ફેરફાર કે પછી ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિશેષ પ્રયોગોના પરિણામે આ કમોસમી પાક તૈયાર થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો માર્કેટ યાર્ડમાં આવેલી આ મોંઘેરા મુલની કેરી આકર્ષણનું કેન્દ્ર બની છે.
