Ahmedabad Plane Crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજય રૂપાણીના (Vijay Rupani) અકાળે અવસાનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવતીકાલે શનિવારે, 14 જૂન 2025ના રોજ અડધો દિવસ બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, આપણા સૌના માર્ગદર્શક અને રાજકોટના વિકાસ માટે હંમેશા ચિંતિત રહેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધનથી આપણને મોટી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલિ રૂપે આવતીકાલે સવારથી બપોરના 2 વાગ્યા સુધી રાજકોટના તમામ વેપાર-ધંધા બંધ રાખવા વિનંતી છે. આ જાહેરાત બાદ રાજકોટના અન્ય વેપારી સંગઠનો અને બજારો પણ આ બંધમાં જોડાશે.
રાજકોટ શહેર-જિલ્લાની તમામ ખાનગી સ્કૂલોમાં કાલે રજા જાહેર
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ તેમજ રાજકોટ મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, પરીમલ પરડવા સહિતના હોદેદારો દ્વારા તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યોને તેમની શાળામાં અનધ્યયન રાખી શ્રદ્ધાંજલી પાઠવવા આહવાન કરવામાં આવે છે. તેમજ ગ્રાન્ટેડ શાળાઓને પણ આ બાબતે જોડાવા અને અનધ્યયન રાખવા અનુરોધ કરવામાં આવે છે. પરમકૃપાળુ પરમાત્મા તમામ દિવંગતો તેમજ સ્વ. વિજયભાઇ રુપાણીના પરિવારજનો પર આવી પડેલ દુ:ખ ને સહન કરવાની શકિત આપે તેજ અભ્યર્થના…
જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઑફ થતાની સાથે જ નજીકના વિસ્તારમાં જઈને પ્રચંડ બ્લાસ્ટ થવાની સાથે જ વિમાન ભીષણ આગની લપેટમાં આવીને સળગી ગયું હતુ. વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડતાં ત્યાં વસવાટ કરતાં સ્થાનિકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.આ દુર્ઘટનાના પગલે એરપોર્ટથી માંડીને હોસ્પિટલ સુધી અફરાતફરી જોવા મળી હતી. બીજી તરફ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં મુસાફરી કરનારાના પેસેન્જરનો સ્વજનો પણ મોટી સંખ્યામાં સિવિલ પહોંચી જતાં ત્યાં પણ અરાજક્તાનો માહોલ જોવા મળ્યો હતો.
