Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યુંઃ મુખ્યમંત્રી બનતાં જ રૂ. 6 હજાર કરોડના મોટા પ્રોજેક્ટ મળ્યા

વિજય રૂપાણીઃ કાર્યકરથી માંડી મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા કોમનમેનને 2021માં ભારતની ટોચની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 13 Jun 2025 06:48 PM (IST)Updated: Fri 13 Jun 2025 06:49 PM (IST)
ahmedabad-plane-crash-rajkot-became-prosperous-during-vijay-rupani-tenure-546914
HIGHLIGHTS
  • વિજય રૂપાણી 2006 થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા

Ahmedabad Plane Crash: બર્માના રંગૂનમાં જૈન પરિવારમાં જન્મેલા વિજય રૂપાણી અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં હતભાગી બન્યા. સમાજના અને રાજકીય અદના કાર્યકરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા આ લોકનેતાનું જીવન કવન તેમની સાહજીકતા અને કાર્યશૈલીથી તેમને વર્ષ 2021 માટે ભારતની ટોચની 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન મળ્યું હતું. 2016 થી 2021 સુધી બે ટર્મ માટે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.

વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં 2 ઓગસ્ટ 1956ના થયો હતો. મ્યાનમારના યાંગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો . તેઓ સાતમા અને સૌથી નાના પુત્ર હતા. બર્મામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર થયો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમના પિતાની એક ટ્રેડિંગ ફર્મ રસિકલાલ એન્ડ સન્સમાં ભાગીદાર હતા. તેમના લગ્ન અંજલિબેન સાથે થયા હતા, એક પુત્ર, ઋષભ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, અને એક પુત્રી રાધિકા પરિણીત છે. આ દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પૂજીતને અકસ્માતમાં ગુમાવ્યો હતો. તેની યાદમાં પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું છે.

વિજય રૂપાણીની કારકિર્દીની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તા સાથે થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા અને ત્યારબાદ 1971 માં જન સંઘમાં જોડાયા હતા. જે બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જ પક્ષમાં હતા. 1976માં કટોકટી દરમિયાન 11 મહિના ભુજ અને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા.

1987 માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1988 થી 1996 સુધી RMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા. 1995માં ફરીથી RMCમાં ચૂંટાયા. 1996થી 1997 સુધી તેઓ રાજકોટના મેયર તરીકે સેવા આપી. 1998 માં તેઓ ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી બન્યા, ત્યારબાદ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી.

2006 માં તેમને ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારે ચાર વખત ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાએ ઓગસ્ટ 2014માં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીને તેમની ખાલી બેઠક પર ચૂંટણી લડવા માટે તક અપાઈ હતી. 19 ઓક્ટોબર 2014ના પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી અને મંત્રી તરફ આગળ વધ્યા. નવેમ્બર 2014માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં પરિવહન, પાણી પૂરવઠો, શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી બનાવાયા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ પણ બન્યા
19 ફેબ્રુઆરી 2016 ના આર.સી. ફળદુના સ્થાને વિજય રૂપાણીને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવાયા હતા. ફેબ્રુઆરી 2016થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા.

આનંદીબેન પટેલ બાદ વિજય રૂપાણીએ 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર જાળવી રાખ્યો હતો. 22 ડિસેમ્બર 2017ના તેમને ફરીથી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા. નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને પક્ષે જવાબદારી સોંપી. 11 સપ્ટેમ્બર 2021ના તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.

વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજકોટનો વિકાસ ખૂબ જ ધીમો ચાલતો હતો. જોકે વિજયભાઈએ શપથ લીધા બાદ રાજકોટમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેમણે પોતાના શહેર માટે શક્ય એટલો વિકાસ ધપાવી રાજ્યના અન્ય મહાનગરો એટલે કે અમદાવાદ અને સુરત જેવી સ્થિત ફક્ત મોટા પ્રોજેક્ટ જ ગણીએ તો રાજકોટને 6000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળી હતી, જે આજે રાજકોટ શહેર માટે માઈલસ્ટોન બન્યા છે.

આરોગ્યક્ષેત્રે સૌથી મહત્ત્વની સંસ્થા એઈમ્સ છે. આ એઈમ્સનું એક કેન્દ્ર ગુજરાતમાં મંજૂર થયું હતું અને રૂપાણીએ તે રાજકોટને મળે તે માટે કેન્દ્ર સુધી પ્રયત્ન કર્યા હતા અને તે આખરે સ્વપ્ન સાકાર થયું. 1200 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સ બનીને તૈયાર છે અને હવે ત્યાં સુપર સ્પેશિયાલિટી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સ્માર્ટસિટીમાં સમાવેશ કરી રૂા. 2600 કરોડ ફાળવ્યા
આ જ રીતે કેકેવી ચોકમાં બ્રિજ પર બ્રિજ, નાનામવા સર્કલ, કાલાવડ રોડ જડ્ડુસ ચોક, રામાપીર ચોકડીએ પણ બ્રિજ બનાવીને 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પર વાહનો ઝડપથી અંતર કાપે અને ટ્રાફિક ન થાય તેવી વ્યવસ્થા થઈ છે. આ તો ફક્ત મેજર પ્રોજેક્ટ જ છે, જેનો આંકડો 6000 કરોડ કરતા પણ વધી જાય છે.

આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ કામો માટે ગ્રાન્ટ હોય કે પછી રાજકોટ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો હોય કે પછી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઊભું કરવાનું હોય તેમાં રૂપાણીએ પાછી પાની કરી જ ન હતી. તેનું જ કારણ છે કે, આજે રાજકોટ શહેર અને જિલ્લો ઘણો વિકસી શક્યો છે. શહેરમાં એક બે નહિ પણ પાંચ-પાંચ ઓવરબ્રિજ એક સાથે બનાવડાવ્યા, સ્માર્ટ સિટીમાં શહેરનો ઉમેરો કરાવીને 2600 કરોડ રૂપિયા ફાળવ્યા.

1400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું
નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત થઈ ત્યારે પણ તે કેન્દ્રનો પ્રોજેક્ટ રાજકોટના ફાળે આવ્યો અને 1400 કરોડ રૂૂપિયાના ખર્ચે નવું એરપોર્ટ તૈયાર થયું. આવા કેન્દ્રના પ્રોજેક્ટ ઉપરાંત જ્યારે સ્માર્ટ સિટીની ગણતરી થઈ ત્યારે પણ રાજકોટને તે યાદીમાં ઉમેરી દેવાયું. આ કારણે આ જ સુધીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 2600 કરોડ રૂપિયાના કામો થયા છે. એક સમયે રાજકોટમાં ઓવરબ્રિજ ફક્ત એકાદ બે હતા તે સમયે ટ્રાફિક સમસ્યા સામે લડવા એક બે નહિ પણ પાંચ પાંચ બ્રિજ મંજૂર કર્યા હતા. હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બની જવાને કારણે હાલ ત્યાં ટ્રાફિક સમસ્યા શૂન્ય થઈ ગઈ છે.

જનાનામાં ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધા
રાજકોટ એઈમ્સ જ નહિ પણ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં રૂપાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષો જૂની ઝનાના હોસ્પિટલને સ્થાને નવી એમસીએચ મંજૂર કરી દીધી જે આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ છે. 11 માળની આ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે. આ જ રીતે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પીએમએસએસવાય અંતર્ગત નવું બિલ્ડિંગ મંજૂર કર્યું તેમાં પણ કરોડો રૂૂપિયાના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જ હોસ્પિટલ કોરાનાકાળ દરમિયાન અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યુ હતું.