Rajkot News: ઘરમાં નાના બાળકો હોય છે ત્યારે ભૂગર્ભ ટાંકાને ભૂલ્યા વગર હંમેશા બંધ રાખવાની વિશેષ કાળજી રાખવી જરૂરી બને છે. પણ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પરિવારની કહો કે અન્ય કોઈની બેદરકારી, ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું ખુલ્લુ રહી ગયેલું અને આ સંજોગોમાં નજીક રમી રહેલું 4 વર્ષનું બાળક ટાંકીમાં ખાબક્યું હતું. જેને લીધે તેનું કરુણ મોત થયું હતું.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નીપજ્યુ હતુ આ બનાવથી શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતા રાહુલભાઇ અધારાનો 4 વર્ષનો પુત્ર પ્રતિક આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઘર પાસે રમતો હતો ત્યારે અકસ્માતે પાણીના ભોટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નીપજ્યુ હતુ. સવારે બાળક ઘર પાસે રમી રહ્યો હતો.
બાદમા તે જોવા ન મળતા પરિવારજનો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ બાળક કયાય મળી આવ્યો ન હતો અંતે પાણીના ભૂગર્ભ ટાંકાનુ ઢાકણુ ખુલુ હોય જેથી શંકા જતા તપાસ કરતા પાણીમાં ડૂબેલી હાલતમાં બાળક મળી આવ્યો હતો. જેથી તેને બહાર કાઢી તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નીપજ્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક પ્રતિક બે ભાઇમાં નાનો અને તેના પિતા મંજૂરી કામ કરતા હોવાનુ જણવા મળ્યુ છે. માસુમ પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.