Shri Hanuman Chalisa Yuva Katha: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત સાત દિવસીય ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ એ ભક્તિ અને જનસેવાનો અભૂતપૂર્વ દાખલો બેસાડ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસપીઠ સ્થાને યોજાયેલી આ કથામાં શ્રદ્ધાનું એવું ઘોડાપૂર ઉમટ્યું હતું કે રાજકોટના તમામ રસ્તાઓ રેસકોર્સ તરફ વળ્યા હતા.

કમોસમી વરસાદ પણ ન રોકી શક્યો ભક્તોનો પ્રવાહ
કથા દરમિયાન 31 ડિસેમ્બરના રોજ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે એક દિવસ માટે કથા મોકૂફ રાખવી પડી હતી. જોકે, આ કુદરતી વિઘ્ન ભક્તોના ઉત્સાહને ઓછો કરી શક્યું નહીં. 1 જાન્યુઆરી 2026ના રોજ અત્યંત દબદબાભેર 'હનુમાન જન્મોત્સવ' ઉજવવામાં આવ્યો હતો, જેમાં લાખોની જનમેદનીએ દાદાના દર્શન અને કથાનો લ્હાવો લીધો હતો.

ભવ્ય અન્નકૂટ અને ભાવુક વિદાય
કથાના અંતિમ દિવસે આયોજિત અન્નકૂટ મહોત્સવમાં રાજકોટની જનતાનો પ્રેમ છલકાયો હતો. હજારો લોકો પોતપોતાના ઘરેથી શ્રદ્ધાપૂર્વક બનાવેલી વાનગીઓ લઈને પહોંચ્યા હતા. પૂજ્ય સ્વામીજીએ ભાવુક થતા જણાવ્યું હતું કે, "મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે સાળંગપુરવાળા દાદા રાજકોટના મહેમાન બન્યા છે, પણ રાજકોટવાસીઓએ એવી કાઠિયાવાડી મહેમાનગતિ કરી છે કે દાદા અતિ પ્રસન્ન થયા છે. હું ગમે ત્યાં હોઈશ, રાજકોટનો આ પ્રેમ મને કાયમી યાદ રહેશે."

આંકડામાં ભક્તિ અને સેવાનું સરવૈયું
આ યુવા કથા માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સામાજિક ક્રાંતિનું પણ કેન્દ્ર બની હતી:
- જનમેદની: 6 દિવસ દરમિયાન કુલ 4.50 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા.
- પ્રસાદ વિતરણ: આયોજકો દ્વારા 3.50 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું.
- રક્તદાન: બ્લડ ડોનેશન કેમ્પમાં 1,500 થી વધુ બોટલ રક્ત એકત્ર થયું.
- પર્યાવરણ: 9 હજારથી વધુ લોકોએ વૃક્ષારોપણ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો.
શિસ્ત અને સ્વયંસેવકોની પ્રશંસા
લાખોની સંખ્યા હોવા છતાં કથામાં અદભૂત શિસ્ત જોવા મળી હતી. પૂજ્ય સ્વામીજીએ 3000 થી વધુ સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વિદાય વેળાએ શ્રોતાઓ અને સેવા આપતા ભાઈ-બહેનોની આંખો ભીની થઈ હતી. રાજકોટના ઇતિહાસમાં આ કથા આસ્થા અને સેવાના સુમેળ તરીકે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

