Jalaram Jayanti Rajkot: આજે સૌરાષ્ટ્રના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતી છે. જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર વીરપુર, ગોંડલ અને અન્ય તમામ સ્થળોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેના કારણે આખો પંથક જલારામમય બની ગયો છે.
રાજકોટમાં જલારામ મંદિરમાં ભીડ જામી
રાજકોટ શહેરમાં પણ બાપા પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળી હતી. શહેરના ભીલવાસ વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે સવારથી જ દર્શન માટે ભાવિકોની મોટી ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ કતારમાં ઊભા રહીને જલારામ બાપાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.
વિવિધ કાર્યક્રમનું આયોજન
જલારામ જયંતી નિમિત્તે રાજકોટમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના સમયે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાશે. સાંજના સમયે શહેરમાં ઠેર ઠેર વિસ્તારોમાં બુંદી-ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદ (મહાપ્રસાદ) માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
જલારામ બાપા વિશે જાણો
જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ 7 ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે.
સંત અને સેવાભાવી એવા જલારામ બાપાની આજે 226મી જન્મજયંતી છે. તેમના જન્મસ્થળ સૌરાષ્ટ્રના વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ ઠેરઠેર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું.
