Rajkot: માલધારી ફાટક પાસે 'વંદે ભારત' ટ્રેનની અડફેટે ચડેલા 2 યુવકોના કમકમાટીભર્યા મોત, 1ની હાલત નાજુક

ભોગ બનનાર ત્રણેય યુવકો પાટા ઓળંગી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો કે પછી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો, તે ચર્ચાનો વિષય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 02 Feb 2026 06:15 PM (IST)Updated: Mon, 02 Feb 2026 08:30 PM (IST)
2-killed-in-vande-bharat-train-accident-in-rajkot
HIGHLIGHTS
  • વંદે ભારત ટ્રેન સોમનાથથી અમદાવાદ જતી હતી ત્યારનો બનાવ

રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલી માલધારી ફાટક નજીક સાંજના સમયે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં વેરાવળથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે પરપ્રાંતીય શ્રમિક મિત્રોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપ કોળી નામના બીજા યુવાને પણ દમ તોડ્યો હતો. આમ, આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 2 થયો છે, જ્યારે ત્રીજો યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ ફોનની ગેલેરી તપાસતા તેમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા હોય તે પ્રકારના ફોટા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે, અકસ્માત સમયે યુવાનો ટ્રેક પર જોખમી રીતે ફોટા પાડી રહ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણેય યુવાનો પરપ્રાંતીય છે અને માલધારી ફાટક પાસે આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. હાલ પોલીસ દ્વારા તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે.