PSM 100: 'ગુરુભક્તિ દિન' અંતર્ગત ઉત્તમ ગુરુ અને શિષ્ય એવા પ્રમુખસ્વામી મહારાજની વિરલ ગુરુભક્તિ રજૂ કરાઈ, અનેક મહાનુભવોએ અંજલી આપી

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 19 Dec 2022 08:43 PM (IST)Updated: Mon 19 Dec 2022 10:04 PM (IST)
as-part-of-guru-bhakti-day-a-special-presentation-on-the-subject-of-rare-guru-bhakti-of-pramukhswami-maharaj

અમદાવાદઃ ઓગણજ પાસે 600 એકરમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)ના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ભક્તો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમનો લાભ લીધો હતો. પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. જેમાં વિશ્વના લાખો લોકો જોડાયા હતા.

આજે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે સાંજે 5:15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી.

આદર્શ શિષ્ય અને આદર્શ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વણાયેલી અદ્ભુત ગુરુભક્તિના પ્રસંગોનું પાન BAPS સંસ્થાના વિદ્વાન સંત આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચન શ્રેણી અંતર્ગત કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે “ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ છે.

પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુભક્ત હતા. આધુનિક યુગમાં તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપી. આજે લાખો ભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ગુરુ ઋણ ચુકવવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં વિરાટ કાર્યો કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.”

સભામાં આગળ ‘ગુરુ પરમેશ્વર રે’ કીર્તન દ્વારા અખંડ ભગવાનમય એવા આદર્શ ગુરુના મહિમાને અને પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિને નિરૂપતી સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

‘ગુરુભક્તિનો આદર્શ’ વિષય પર BAPS સંસ્થાના વિદ્વાન સંત આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કરેલાં સર્જનોની પાછળ રહેલી ગુરુભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો. ‘આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ વીડિયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ગુરુભક્તિ વિષયક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

BAPS સંસ્થાના વરિષ્ઠ સંત ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કઈ રીતે એક આદર્શ શિષ્ય બની ગુરુભક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પડ્યું હતું તેના પ્રસંગો પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.

આજના સંધ્યા કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોમાંથી જે મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેમના સંસ્મરણો અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યના તેમના પર પડેલા ઊંડા પ્રભાવ વિષે ઉદ્ગારો વ્યક્ત કર્યાં હતા. જેમાં પદ્મશ્રી સવજી ધોળકિયા (ફાઉન્ડર અને ચેરમેન, હરિકૃષ્ણ એક્ષ્પોર્ટસ), ગોવિંદ ધોળકિયા (ફાઉન્ડર- શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ), અરુણ ગુજરાતી (પૂર્વ સ્પીકર, મહારાષ્ટ્ર ), વાય. એસ રાજન (પૂર્વ ચેરમેન – NIT મણિપુર), ગોપાલ આર્ય (સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)), આલોક કુમાર (કાર્યકારી પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ), પંકજ ચાંદે (ફાઉન્ડર-વાઇસ ચાન્સેલર, કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી), અરુણ તિવારી (પ્લૅટિનમ જ્યુબિલી મેન્ટર, CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી), કેશવ વર્મા (નિવૃત IAS ઓફિસર, ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ).

આ ઉપરાંત અન્ય મહાનુભવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા જેમાં બી. સી. પટેલ (પૂર્વ ચીફ જસ્ટિસ, દિલ્લી હાઈકોર્ટ), લાલજી પટેલ (ચેરમેન, ધર્મનંદન ડાયમંડ્સ), લવજી દલિયા (ફાઉન્ડર, અવધ ગ્રુપ), દિનેશ નારોલા (ડિરેક્ટર, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ)