Porbandar News: પોરબંદર જિલ્લામાં માધવપુરમાં એક મહિલાએ તેના પતિ પર મારઝૂડ અને ગર્ભમાં રહેલા શિશુને મારી નાખવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ મામલે હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. પત્નીની પોલીસ ફરિયાદ સામે પતિએ પણ વળતી ફરિયાદ દાખલ કરાવતાં પોરબંદર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પતિએ પોતાની ફરિયાદમાં તેની પત્ની અને તેના પૂર્વ પતિ પર ગંભીર આક્ષેપ લગાવ્યો કે, તેઓએ તેને બેફામ માર મારીને ગોંધી રાખ્યો હતો. તેમજ પેશાબ પીવડાવ્યો હતો.
પતિએ 4 મહિના પહેલા મહિલા સાથે લગ્ન કર્યા
પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, માધવપુરના મચ્છીયારાવાડામાં રહેતા 35 વર્ષીય નાસીર કાદર પટેલિયાના નિકાહ ચારેક મહિના અગાઉ મરીયમ લુચાણી નામની મહિલા સાથે થયા હતા. તે પહેલા મહિલાના લગ્ન મુક્કદર ઢીમર નામના શખ્સ સાથે થયા હતા. પરંતુ લગ્નના છ મહિનામાં બંને વચ્ચે મનમેળ ન આવતાં છૂટાછેડા થયા હતા. પીડિત પતિ 1 સપ્ટેમ્બરના રોજ કોડીનાર મજૂરી કામ અર્થે ગયો હતો.
ઘરે પરત ફરતાં પતિના હાથ-પગ બાંધી દેવાયા
પત્નીએ તેને ફોન કરીને ઘરે પરત બોલાવ્યો હતો.બીજી તારીખે નાસિર રાત્રિના 11 વાગ્યાના સુમારે ઘરે પહોચ્યો હતો. પરંતુ ઘરનો દરવાજો બંધ હતો. તેથી તે રસોડા પાસે આરામથી સૂઈ ગયો. તે અરસામાં અચાનક તેના પર કોઈએ પટ્ટા અને વાયરથી હુમલો કરી દીધો. નાસિરે જ્યારે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને આંખે પટ્ટી અને હાથ-પગ બાંધી દેવાયા હતા.
પત્ની અને પૂર્વ પતિ પર ગંભીર આક્ષેપ
જ્યારે નાસિરની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી તો સામેનો નજારો જોઈએ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નાસિર સામે તેની પત્ની અને પૂર્વ પતિ મુક્કદર ઉભા હતા. ત્યારબાદ બંનેએ અત્યાચારનો સિલસિલો શરુ કરી દીધો હતો. પત્ની મરીયમે નાસિરને વાયર અને પટ્ટાથી અમાનુષી માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો મુકકદરે મોબાઈલમાં કેદ કરી લીધો.
પેશાબ પીવડાવી જંગલમાં ફેક્યાનો આક્ષેપ
પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે, મરીયમે અત્યાચારની હદ વટાવતા તેની દીકરીઓ પાસેથી ડબ્બામાં પેશાબ મંગાવ્યો. ત્યારબાદ બળજબરીપૂર્વક પૂર્વ પતિ મુક્કદરના કહ્યા પ્રમાણે, નાસીરને અડધો લીટર પેશાબ પીવડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેને જંગલમાં ફેંકી દીધો હતો. અસહ્ય માર માર્યા બાદ જ્યારે નાસીર બેભાન થઈ ગયો તો 7 સપ્ટેમ્બરે તેને જંગલમાં ફેંકી દીધો હતો.
પતિને જાનથી મારી નાખવાની ધમકી
જંગલ વિસ્તારમાં બેભાન પડેલા નાસીરને તેના ભાઈ મજીદે શોધીને માધવપુર અને ત્યારબાદ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવારને લીધે સાજા થઈ ગયા બાદ નાસીરે 17 સપ્ટેમ્બરના રોજ આરોપી મરીયમ અને મુક્કદર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેમજ પુરાવા રુપે તેના પર થયેલ અત્યાચારની પેનડ્રાઇવમાં વિડીયો પોલીસને આપ્યો હતો.
પત્ની સામે પતિએ ક્રોસ ફરિયાદ નોંધાવી
નોંધનીય છે કે, પતિ નાસીર સામે મરીયમે પણ પહેલા ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેણે પતિ પર આક્ષેપ લગાવ્યો કે, નાસીર મોટી દીકરીને માર મારતો. જ્યારે તે દીકરીને બચાવવા વચ્ચે પડી તો નાસીરે તેને ઝપાઝપ્પી દરમિયાન પેટ પર લાતો મારી હતી. જેથી તેના પેટમાં રહેલ બાળકનું મોત નિપજ્યું હતું. જે મામલે પોલીસે નાસીરને ઝડપી લીધો હતો. પરંતુ હવે પતિએ પણ તેની પત્ની અને પૂર્વ પતિ સામે માર માર્યાની ક્રોસ ફરિયાદ દાખલ કરી છે .
