પોરબંદરમાં પ્રથમવાર જાપાની મિયાઝાકી કેરીનું આગમન, 1 નંગનો ભાવ અધધ ₹900 બોલાયો

પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત સ્થાનિક સ્તરે મિયાઝાકી કેરીનું ઉત્પાદન થયું છે. આ કેરીની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹3 લાખ પ્રતિ કિલો સુધી રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 06:35 PM (IST)Updated: Thu, 26 Nov 2026 06:35 PM (IST)
porbandar-japanese-miyazaki-mango-auction-price-900-rupees

Porbandar Japanese Miyazaki Mango: પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે પ્રથમ વખત જાપાનની પ્રખ્યાત મિયાઝાકી કેરીની આવક નોંધાઈ છે. આદિત્યાણા ગામે ઉગાડવામાં આવેલી કુલ 11 નંગ કેરી હરાજી માટે લાવવામાં આવી હતી, જેમાં એક કેરીનો ભાવ ₹900 બોલાયો હતો. આ રીતે તમામ 11 કેરીનું કુલ ₹9,900માં વેચાણ થયું હતું. ખાસ વાત એ છે કે પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત સ્થાનિક સ્તરે મિયાઝાકી કેરીનું ઉત્પાદન થયું છે.

આદિત્યાણાના ફાર્મમાં મિયાઝાકી કેરીનું ઉત્પાદન

પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ઓડેદરાના આદિત્યાણા ગામે આવેલા ફાર્મમાં જાપાનની મિયાઝાકી કેરી ઉગાડવામાં આવી છે. આ વર્ષે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત આ કેરીની આવક નોંધાઈ છે.

હરાજી દરમિયાન એક નંગ મિયાઝાકી કેરીનો ભાવ ₹900 બોલાયો હતો. કુલ 11 નંગ કેરીનું 9,900 રૂપિયામાં વેચાણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ પોરબંદરમાં ચોરવાડથી મિયાઝાકી કેરી આવી હતી.

naidunia_image

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો ₹3 લાખ ભાવ

મૂળ જાપાનની મિયાઝાકી કેરી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમત માટે જાણીતી છે. આ કેરીનો ભાવ પ્રતિ કિલો ₹1.5 લાખથી ₹3 લાખ સુધી રહેતો હોવાનું જણાવવામાં આવે છે. હવે આ કેરીનું ઉત્પાદન પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્તરે પણ થયું છે. શિયાળામાં મિયાઝાકી કેરીની આવક થતા વેપારીઓ સહિતના લોકો હરાજીમાં ભાગ લઈને ખરીદી કરી રહ્યા છે.

બરડામાંથી સુપર કેસર કેરીના 4 બોક્સની આવક

બીજી તરફ, પોરબંદર માર્કેટિંગ યાર્ડની સુદામા ફ્રુટ કંપનીમાં બરડામાંથી કેરીના આશરે 15 બોક્સની આવક થઈ હતી. તેમાં સુપર કેસર કેરીના 4 બોક્સનો સમાવેશ થાય છે. આ સુપર કેસર કેરીનો ભાવ પ્રતિ કિલો ₹551 રહ્યો હતો.

સામાન્ય રીતે કેરીને ઉનાળાનું ફળ ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળાની ઋતુમાં પણ કેરીની આવક થઈ રહી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક કેસર કેરીની આવક છેલ્લા 10 મહિનાથી ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું છે.