Porbandar Dog Attack: પોરબંદર શહેરમાં એક પાલતું જર્મન શેફર્ડ પ્રજાતિના શ્વાને ભારે ઉત્પાત મચાવ્યો હતો. શ્વાને હિંસક સ્વરુપ ધારણ કરીને 20 જેટલાં રાહદારી લોકોને બચકાં ભરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોરબંદર મહાનગરપાલિકાની ડોગ કેચિંગ ટીમને જાણ કરતાં શ્વાનને પકડીને કેદ કરી લેવાયો હતો. અને જર્મન શેફર્ડ ડોગના માલિકની શોધખોળ હાથ ધરાઈ હતી.
પાલતુ શ્વાને હિંસક બની 20 લોકોને કરડ્યો
મળતી માહિતી મુજબ, શહેરના જૂના ફુવારા, બિરલા હોલ વિસ્તાર આસપાસ હિંસક બનેલા જર્મન શેફર્ડ કૂતરાએ આતંક મચાવ્યો હતો. અચાનક ક્યાંયથી આવી ચડેલો પાલતું શ્વાન હિંસક બની ગયો હતો. કૂતરાએ અચાનક જ રસ્તા પર ચાલતા લોકો પાછળ દોડીને બચકાં ભરવા લાગ્યો. જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વીસેક જેટલા લોકોને કરડ્યા બાદ લોકો એન્ટી રેબિસ ઇન્જેક્શન લેવા માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
રસી લેવા માટે લોકોની કતારો લાગી
ભાવસિંહજી હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવા માટે લાંબી કતારો લાગી ગઈ હતી. હિંસક કૂતરાની જાણ થતાં મનપાની ડોગ કેચિંગ ટીમે ભારે જહેમત બાદ હિંસક જર્મન શેફર્ડ કૂતરાને પકડી પાડ્યો હતો. મનપા તંત્રની માહિતી પ્રમાણે, જર્મન શેફર્ડ કૂતરામાં હડકવાના લક્ષણો જણાઈ આવ્યા છે, જેથી કૂતરો ભારે હિંસક બન્યો હોય તેવી સંભાવના છે.
સીસીટીવીને આધારે માલિકની શોધખોળ
ડોગ કેચિંગ ટીમે હિંસક કૂતરાને પકડી લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે હાલ તંત્ર દ્વારા સીસીટીવી ચકાસીને શ્વાન માલિકની શોધખોળ હાથ ધરી છે. તેમજ તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
