Porbandar Crime News: પોરબંદર જિલ્લાના ઓડદર ગામેથી પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરે તેવી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને નામચીન શખ્સ પર એવો આક્ષેપ છે કે, તેણે પોતાની જ સગીર વયની દીકરી સાથે છેલ્લા 6 વર્ષથી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. જે અંગે હાર્બર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ધમકીઓ અને સોંગધ આપી કુકર્મ આચરતો
મળતી વિગત અનુસાર, ઓડદર ખાતે રહેતો આરોપી શખ્સ પોતાની સગીર દીકરી સાથે 6 વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારતો હતો. સગીરા જ્યારે પિતાના કૃત્યનો વિરોધ કરતી કે ના પાડતી ત્યારે આરોપી પિતા માતાજીના અને નાના ભાઈના સોગંધ આપતો હતો. આ ઉપરાંત સગીરા જો કોઈને આ અંગે વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
આરોપી સામે અગાઉ ગુનાઓ નોંધાયેલ
આરોપી પિતા સામે અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સામે ધાક-ધમકી, મારામારી,ઉઘરાણી અને હથિયાર ધારા સહિત કુલ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો હતો. ઉપરાંત આરોપી અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના આધારે હાર્બર મરીન પોલીસ મથકના પીઆઈ સી. કે કાતરિયાએ ગુનોન નોંધીને કાર્યવાહી આગળ ચલાવી રહ્યા છે.
