ગીર બાદ બરડા ડુંગર બન્યું સિંહોનું નવું ઘર: સફારી અને ઈકો-ટૂરિઝમથી સ્થાનિકોને મળી રોજગારી

પોરબંદરના બરડા ડુંગરમાં એશિયાઈ સિંહોનું નવું ઘર બન્યું છે, જ્યાં વન વિભાગના પ્રયાસોથી સિંહોનું સંરક્ષણ અને ઈકો-ટૂરિઝમનો વિકાસ થયો છે. આ સફારીથી પ્રવાસીઓને રોમાંચ અને સ્થાનિકોને રોજગારી મળી રહી છે, સાથે જ 'સર્વોદય વન' જેવી પહેલો પર્યાવરણ સંતુલન મજબૂત બનાવે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 12:21 PM (IST)Updated: Thu, 26 Nov 2026 12:21 PM (IST)
porbandar-barda-safari-new-home-for-asiatic-lions-ecotourism

Porbandar Barda Safari: ગુજરાતની શાન સમા એશિયાઈ સિંહો હવે ગીરની સાથે પોરબંદરના બરડા ડુંગરમાં પણ વસવાટ કરી રહ્યા છે. વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું છે. અહીં સફારી શરૂ થવાથી એક તરફ પ્રવાસીઓને જંગલનો રોમાંચ મળી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનો માટે રોજગારીના નવા અવસરો ઊભા થયા છે. પ્રકૃતિ સંરક્ષણ અને સ્થાનિક વિકાસનો આ સમન્વય કેવી રીતે સફળ બન્યો, ચાલો જાણીએ આ અહેવાલમાં.

ગીર બાદ પોરબંદરનો બરડા ડુંગર એશિયાઈ સિંહોના નવા આવાસ તરીકે ઊભર્યો છે. વન વિભાગે અહીં પાણી, તૃણાહારી પ્રાણીઓ અને અનુકૂળ કુદરતી વાતાવરણ વિકસાવી સિંહોનું સંરક્ષણ સુનિશ્ચિત કર્યું છે. પરિણામે સફારી ટૂરિઝમને વેગ મળ્યો છે, જ્યાં પ્રવાસીઓ સિંહ ઉપરાંત ગીધ, મોર, નીલગાય અને પ્રાચીન કિલેશ્વર મહાદેવ મંદિરનાં દર્શનનો લહાવો લઈ રહ્યા છે.

બરડા અભયારણ્યના પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને કડક સ્વચ્છતા જાળવવામાં આવે છે, જે પ્રવાસીઓને શુદ્ધ કુદરતી અનુભવ કરાવે છે. સફારી શરૂ થવાથી આસપાસના નેસ અને ગામોના સ્થાનિક લોકોને ગાઈડ, જીપ ડ્રાઈવર, સુરક્ષા ગાર્ડ તથા વન્યજીવ સંભાળની કામગીરીમાં સીધી રોજગારી મળી છે, જેનાથી નાના વેપારીઓની આવકમાં પણ વધારો થયો છે.

વન્યજીવ સંરક્ષણની આ પહેલને આગળ ધપાવતાં પોરબંદર તાલુકાના ઓડદર ગામે 14 હેક્ટર વિસ્તારમાં 'સર્વોદય વન' વિકસાવાયું છે. અહીં મહાત્મા વન, માતૃ વન, શાંતિ વન, પ્લાસ્ટિક મુક્ત વન અને વિવિધ વાટિકાઓમાં હજારો સ્થાનિક તથા ઔષધીય વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જે બરડા પંથકના પર્યાવરણીય સંતુલનને વધુ મજબૂત બનાવે છે.