પોરબંદરના મોચા ગામમાં 100 કરોડના ખર્ચે બનશે આ મોટો પ્રોજેક્ટ, જાણો મરિન બાયોટેકનોલોજી કોરિડોરમાં શું થશે ફાયદો

આ મરીન કોરિડોર વિકસાવવા માટે 9 ઓક્ટોબરનાં રોજ ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે M-BRICની સ્થાપના માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 11:48 AM (IST)Updated: Thu, 08 Oct 2026 11:48 AM (IST)
blue-economy-in-gujarat-100-crore-marine-biotech-corridor-to-build-in-porbandar-know-the-benefit

Blue Economy in Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે રૂ 100 કરોડનાં ખર્ચે મરિન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર (M-BRIC) વિકસાવશે. આ મરીન કોરિડોર વિકસાવવા માટે 9 ઓક્ટોબરનાં રોજ ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે M-BRICની સ્થાપના માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે.આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા અને કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ કોરિડોરથી એક સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવશે

આ કોરિડોરનો હેતુ રાજ્યના સમૃદ્ધ દરિયાઈ જૈવિક સંસાધનોને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનો, નવા ઉદ્યોગો અને દરિયાકાંઠાના સમુદાયો માટે ટકાઉ આજીવિકા ઉભી કરવાનો છે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ હેઠળનાં ગુજરાત સ્ટેટ બાયોટેનોલોજી મિશન (GSBTM)ની આ પહેલ દરિયાઈ વિજ્ઞાન, બાયોટેક્નોલોજી સંશોધન, ક્ષેત્રીય ખેતી, ટેકનોલોજી વિકાસ, પાયલટ-સ્કેલ બાયોમેન્યુફૅક્ચિંગ, સાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) અને વ્યાપારીકરણને જોડતી એક સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત નવી રોજગારીની તકો ઊભી કરવા અને દરિયાઈ બાયોટેક્નોલોજીમાં સંશોધન અને વિકાસ (R&D) ને મજબૂત કરવા માટે બ્લૂ બાયોઇકોનોમીમાં પોતાની ક્ષિતિજો વિસ્તારી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, આ પહેલ દરિયાઈ જૈવિક સંસાધનોથી લઈને વૈજ્ઞાનિક શોધખોળ, ટેકનોલોજી વિકાસ, ઉત્પાદન નિર્માણ અને બજાર સુધી પહોંચવા માટેનો એક વ્યાપક માર્ગ સ્થાપિત કરવા માંગે છે, જેથી ભારતની ઉભરતી બ્લૂ બાયોઇકોનોમીમાં ગુજરાત પોતાનું સક્ષમ યોગદાન આપી શકે.

naidunia_image

દરિયાઈ સંસાધનોને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનોમાં વિકસાવશે

ગુજરાતના વિવિધ દરિયાઈ અને તટીય સંસાધનો, જેમાં સીવીડ, માઇક્રોએલ્ગી, મરિન માઇક્રોઓર્ગેનિઝમ અને ખારાશવાળી ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે, તે બાયોટેકનોલોજી-આધારિત ઉદ્યોગો માટે મોટી તકો પૂરી પાડે છે. M-BRIC દ્વારા આ સંસાધનોને જીનોમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ અને બાયોપ્રોસેસિંગ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનોમાં વિકસાવશે.

પ્રસ્તાવિત એપ્લિકેશન્સમાં બાયોફર્ટિલાઇઝર્સ, બાયોસ્ટિમુલન્ટ્સ, ન્યુટ્રાજ્યુટિકલ્સ, કોસ્મેસ્યુટિકલ્સ, આક્વાફીડ, પશુ પોષણ ઉત્પાદનો, ઉત્સેચકો (એન્ઝાઇમ્સ), બાયોસર્ફેક્ટન્ટ્સ, ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ અને દરિયાઈ-ઉત્પન્ન બાયોમટીરિયલ્સનો સમાવેશ થાય છે. આ પહેલ અનેક ઉદ્યોગોમાં ઉપયોગી થતા અગર, અલ્ગિનેટ અને કેરેજીનન સહિતના મૂલ્યવાન સી-વીડ-પેદા થતા પદાર્થોનું પણ સંશોધન કરશે.

30 એકરમાં મરિન બાયોટેક રિસર્ચ એન્ડ ઇનોવેશન હબ બનશે

પોરબંદર જિલ્લાનાં મોચા ગામ ખાતે કોરિડોરનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કેમ્પસ આશરે ૩૦ એકરમાં પથરાયેલું હશે. જેમાં 10 એકરનું રિસર્ચ કેમ્પસ હશે અને 20 એકરમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનશે.

રિસર્ચ કેમ્પસમાં વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, નવીનતા અને દરિયાઈ ઓપરેશનો માટેની સુવિધાઓ હશે. ઔદ્યોગિક ઝોન પાયલટ-સ્કેલ પ્રોસેસિંગ, મેન્યુફૅક્ચરિંગ, કોમન યુટિલિટીઓ, વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને ક્વોલિટી-કંટ્રોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપશે.

આ ઉપરાંત, કાચો માલ મેળવવા, ધોવા, પ્રી-પ્રોસેસિંગ, નિષ્કર્ષણ (એક્સટ્રેક્શન), સૂકવણી, પાવડર બનાવવા, પેકેજિંગ, સંગ્રહ અને ગુણવત્તા નિયંત્રણ માટેની સુવિધાઓ સાથે એક સમર્પિત સીવીડ-પ્રોસેસિંગ ક્લસ્ટર પણ બનશે.

મોચા ઉપરાંત, આ કોરિડોર સૌરાષ્ટ્ર પ્રદેશ અને વ્યાપક ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશિષ્ટ ક્ષેત્રીય પ્રવૃત્તિઓ અને ભાગીદારી વિસ્તરી શકે છે, જે એક કનેક્ટેડ મરિન બાયોટેક્નોલોજી નેટવર્કનું સર્જન કરશે. ભાવનગર સ્થિત CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CSIR-CSMCRI) સાથે સંકળાયેલી સોલ્ટ-પાન સુવિધાઓ પર માઇક્રોએલગલ બાયોરિફાઇનરીઓ પણ પ્રસ્તાવિત છે.

સ્ટાર્ટઅપ્સ અને એકમો માટે સંશોધન અને બાયોમેન્યુફૅક્ચરિંગ સહાય

પ્રસ્તાવિત M-BRIC ઇકોસિસ્ટમમાં કપ્પાફિકસ અલ્વારેઝી (Kappaphycus alvarezii) અને ગ્રાસિલારિયા ડુરા (Gracilaria dura) ના ઉત્કૃષ્ટ રોપા સામગ્રી પૂરી પાડવા માટે રાજ્ય-સ્તરની સીવીડ બ્રૂડ બેંકનો સમાવેશ થશે.

એકીકૃત સીવીડ બાયોરિફાઇનરી ફાયકોકોલોઇડ્સ, બાયોસ્ટિમુલન્ટ્સ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમર્પિત સંશોધન સુવિધાઓ દરિયાઈ બાયોપ્રોસ્પેક્ટિંગ, જીનોમિક્સ, માઇક્રોબાયોલોજી, કુદરતી ઉત્પાદનોના સંશોધન અને બાયોટેકનોલોજી વિકાસને સમર્થન આપશે.

આ કોરિડોર સ્ટાર્ટઅપ્સ અને સાહસિકો માટે ઇન્ક્યુબેશન સુવિધાઓ પ્રદાન કરશે. સાથે સાથે પ્રયોગશાળાની શોધોને વ્યવસાયિક રીતે સધ્ધર ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા માટે પાયલટ-સ્કેલ બાયોપ્રોસેસિંગ અને બાયોમેન્યુફૅક્ચરિંગ માળખું પણ પૂરું પાડશે.

CSIR-CSMCRIને આ પહેલમાં મુખ્ય વૈજ્ઞાનિક જ્ઞાન ભાગીદાર (નોલેજ પાર્ટનગ) બનશે. રાષ્ટ્રીયકક્ષાની આ નામાકિંત સંસ્થા સીવીડ બાયોટેકનોલોજી, મરિન બાયોપ્રોડક્ટ્સ, સેલાઇન એગ્રીકલ્ચર, હેલોફાઇટ્સ, બાયોપ્રોસેસિંગ અને ટેકનોલોજી ટ્રાન્સફરમાં નિપુણતા ધરાવે છે.

naidunia_image

દરિયાકાંઠાની આજીવિકા અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન

ઔદ્યોગિક વિકાસની સાથે સાથે, M-BRIC નો ઉદ્દેશ્ય ગુજરાતના દરિયાકાંઠે વસતા સમુદાયો માટે આર્થિક તકો ઊભી કરવાનો છે. સીવીડ મિશન હેઠળ પ્રસ્તાવિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દરિયાકાંઠાના યુવાનો, સીવીડ ખેડૂતો, મત્સ્યઉદ્યોગ સમુદાયો, મહિલા-નેતૃત્વવાળા સાહસો, એમએસએમઈ, સાહસિકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકોને લક્ષ્ય બનાવશે.

તાલીમ ક્ષેત્રોમાં સીવીડની ખેતી, જળચરઉદ્યોગ (આક્વાકલ્ચર), મરિન બાયોટેકનોલોજી, જીનોમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ, મરિન ડાયગ્નોસ્ટિક્સ, કુદરતી ઉત્પાદનો, બાયોપ્રોસેસિંગ, પર્યાવરણીય દેખરેખ, સાહસિકતા, બૌદ્ધિક સંપદા અને ટેકનોલોજી વ્યાપારીકરણનો સમાવેશ થશે.

આ કાર્યક્રમ હેઠળ પ્રથમ પાંચ વર્ષમાં આશરે 1000 થી 1500 લોકોને તાલીમ આપવામાં આવશે. આ પહેલનો હેતુ સ્થાનિક કૌશલ્યોને મજબૂત કરવાનો, સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો અને દરિયાકાંઠાના સમુદાયોને ઉભરતા દરિયાઈ-આધારિત ઉદ્યોગો સાથે જોડવાનો છે.