એશિયાટિક સિંહોના બરડા જંગલમાં પુનર્વસવાટને મળશે આધાર, પોરબંદર વન વિભાગમાં થશે મોટા ફેરફાર

પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન, રેન્જ-બીટની નવી રચના સાથે જવાબદારીનું વિભાજન થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 03:06 PM (IST)Updated: Tue, 29 Sep 2026 03:06 PM (IST)
asiatic-lions-relocation-to-barda-forest-porbandar-forest-department-changes-planned
એશિયાટિક સિંહ

Gujarat Asiatic Lions Relocation: ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના બરડાના જંગલોમાં પુનર્વસવાટને ‘પાક્કું’ કરવા માટે ઝડપી કવાયત હાથ ધરી પોરબંદર વન વિભાગના વહીવટી માળખાને સુવ્યવસ્થિત બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે, વન વિભાગની યોજનાના અમલીકરણમાં સુગમતા રહે તેમજ પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો થાય તે હેતુથી પણ પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરાયું

નોંધનીય છે કે, બરડામાં 143 વર્ષ બાદ એશિયાટિક સિંહોના કુદરતી રીતે પાછા ફરવાની ઘટના બાદ બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં લઈ સરકાર આ પુનર્ગઠનની બાબત પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હતી. આ નિર્ણયથી બરડા સહિત પોરબંદર જિલ્લાના વન વિસ્તારમાં વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન માટે જવાબદારીનું વધુ સ્પષ્ટ વિતરણ થશે.

સિંહોના પુનર્વસન માટે વહીવટી આધાર

રેન્જ, બીટ, અધિકારી કક્ષાની જવાબદારી, સ્ટાફ, વાહનો, હથિયારો, વોકી-ટોકી, વાયરલેસ અને અન્ય સાધન-સામગ્રીના વહીવટી નિયંત્રણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બરડા વિસ્તારમાં સિંહોનાપુનર્વસવાટની દિશામાં આગળ વધતી કામગીરી માટે માત્ર વન વિસ્તારનું સંરક્ષણ જ નહીં, પરંતુ તેના માટે જરૂરી વહીવટી અને ધરાતલીય માળખું પણ મહત્વનું છે. પોરબંદર વન વિભાગનું આ પુનર્ગઠન આ જરૂરિયાતોને પૂર્ણ કરશે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ અંગે કરાયેલા અધિકૃત ઠરાવ મુજબ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના સરળ નિરાકરણ તેમજ યોજનાઓના અમલીકરણમાં સુગમતા સાથે પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો અને બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને વિભાગનું પુનર્ગઠન કરવાની જરૂર હતી. આથી નવી રચનામાં રેન્જ, બીટ અને અધિકારી કક્ષાની જવાબદારી વધુ સ્પષ્ટ બનશે.

પોરબંદર રેન્જમાં 6,840.84 હેક્ટર, 80 ગામ

પુનર્ગઠન હેઠળ પોરબંદર રેન્જની રચનાને નવેસરથી ગોઠવવામાં આવી છે કે જેમાં પોરબંદર રેન્જ હેઠળ 6,840.84 હેક્ટર વિસ્તાર અને કુલ 80 ગામોનો સમાવેશ કર્યો છે. આ વિસ્તારને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા સહિતની વિવિધ બીટમાં વહેંચવામાં આવ્યો છે. નવી રચનામાં અલગ-અલગ બીટને ચોક્કસ વિસ્તાર અને ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે વન વિભાગના મેદાની અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના વિસ્તારની કામગીરી માટે વધુ સ્પષ્ટ જવાબદારી મળશે.

રાણાવાવ રેન્જમાં 13,051.25 હેક્ટર વિસ્તાર

તેવી જ રીતે રાણાવાવ રેન્જ હેઠળ 13,051.25 હેક્ટર વિસ્તાર અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોડાણા, બિલેશ્વર, સાવડીવડર અને રાણાવાવ સહિતના વિસ્તારોને વિવિધ બીટ હેઠળ ગોઠવવામાં આવ્યા છે. આ રીતે પોરબંદર અને રાણાવાવ રેન્જના વિસ્તારને અલગ-અલગ બીટમાં વહેંચવાથી સ્થાનિક સ્તરે વન સંરક્ષણ, પેટ્રોલિંગ અને અન્ય વિભાગીય કામગીરીનું સંચાલન વધુ ચોક્કસ રીતે કરી શકાશે.

ભાણવડ રેન્જમાં 305.94 હેક્ટરનો ઉમેરો

પુનર્ગઠનનો મહત્વનો ભાગ જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જના 305.94 હેક્ટર વિસ્તારને પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સમાવવાનો છે. આ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાર ગામના વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તાર પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થયા બાદ તેની તમામ વહીવટી કામગીરી પોરબંદર વન વિભાગના વહીવટી તંત્ર હેઠળ કરવામાં આવશે. ચાર ગામોમાં કંડારડા જોગણા, સાજડીયાળા, જુના અને જંબુસરનો સમાવેશ થાય છે. આ રીતે જોડાયેલા વન વિસ્તારોના વહીવટમાં વધુ સુસંગતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કુતિયાણા અને સામાજિક વનીકરણની રેન્જો

પુનર્ગઠન માત્ર પોરબંદર અને રાણાવાવની સામાજિક વનીકરણ રેન્જ પૂરતું મર્યાદિત નથી. કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે. આ સાથે આ રેન્જમાં હાલમાં ફરજ બજાવતા અધિકારીઓના હોદ્દા અને કામગીરીમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. સંબંધિત વાહનો, હથિયારો, વોકી-ટોકી, વાયરસ સહિતની વસ્તુઓ પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થશે. રેકર્ડ, કમ્પ્યુટર, ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રી સંબંધિત વહીવટી તબદીલી પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરવામાં આવશે.

બે મદદનીશ વન સંરક્ષક હેઠળ નવી જવાબદારી

પુનર્ગઠન બાદ પોરબંદર વન વિભાગ હેઠળ બે મદદનીશ વન સંરક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. એક મદદનીશ વન સંરક્ષક-1 હેઠળ પોરબંદર રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ રાખવામાં આવી છે. જ્યારે મદદનીશ વન સંરક્ષક-2 હેઠળ રાણાવાવ રેન્જ, ભાણવડ રેન્જ, કુતિયાણા રેન્જ અને મોબાઇલ સ્ક્વોડ (ટી.એ.) રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી અલગ-અલગ વિસ્તારની દેખરેખ અને કામગીરી માટે અધિકારી કક્ષાએ જવાબદારીનું સ્પષ્ટ વિભાજન થશે.

કેવડિયાની જગ્યા પૈકી એક પોરબંદર વન વિભાગને

મદદનીશ વન સંરક્ષકની જગ્યાઓ અંગે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થતાં પોરબંદર વન વિભાગ હેઠળ રેન્જોની સંખ્યા વધીને સાત થવાની સ્થિતિ ઊભી થાય છે. તેથી કેવડિયા ખાતે મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની બે જગ્યાઓમાંથી એક ખાલી જગ્યાને પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પોરબંદર વન વિભાગમાં હાલની મદદનીશ વન સંરક્ષકની જગ્યા સાથે મળીને નવી વહીવટી વ્યવસ્થા ઊભી થશે.

જૂનાગઢ વન્યજીવ વર્તુળ સાથે સંકલિત માળખું

ઠરાવ મુજબ ફેરફાર બાદ જૂનાગઢ વન્યજીવ વર્તુળ હેઠળ પોરબંદર વન વિભાગનું વહીવટી માળખું રહેશે. નાયબ વન સંરક્ષક, પોરબંદર વન વિભાગના નિયંત્રણ હેઠળ બંને મદદનીશ વન સંરક્ષકને અલગ-અલગ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. આ માળખું બરડા વિસ્તાર સહિત પોરબંદર જિલ્લાના વિવિધ વન વિસ્તારો માટે અધિકારી કક્ષાની દેખરેખને વધુ સ્પષ્ટ બનાવે છે.

મોબાઈલ સ્કવોડની કામગીરી વન વિભાગ હેઠળ

પોરબંદર વન વિભાગના હસ્તકના પરિક્ષેત્ર વન અધિકારીને પોરબંદર વન વિભાગની મોબાઇલ સ્ક્વોડની કામગીરી પણ કરવાની રહેશે. તેથી જમીન પર કામગીરીમાં જરૂરી તાત્કાલિક કાર્યવાહી માટે મોબાઇલ સ્ક્વોડની જવાબદારી પણ નવા માળખા સાથે જોડાશે.

સ્ટાફ અને સાધન-સામગ્રીની તબદીલી સાથે અમલ

પુનર્ગઠન સાથે માત્ર કાગળ પર હદબદલી કરી નથી, પરંતુ સંબંધિત સ્ટાફ અને સાધન-સામગ્રીની વહીવટી તબદીલી અંગે પણ ઠરાવમાં સ્પષ્ટ જોગવાઈ છે. વિવિધ રેન્જના અધિકારીઓની સીધી કમાનમાં ફેરફાર, વાહનોની તબદીલી, હથિયારો-વાયરલેસ સહિતની વસ્તુુનું હસ્તાંતરણ તથા રેકર્ડ અને અન્ય સાધનસામગ્રી જવાબદારીનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તેથી નવી રચના અમલમાં આવ્યા બાદ તંત્રને જરૂરી માનવબળ અને સાધનો સાથે કામગીરી કરવા માટે વ્યવસ્થિત આધાર મળશે.

વન સંરક્ષણથી વન્યજીવ વ્યવસ્થાપન સુધી અસર

પોરબંદર વન વિભાગના આ પુનર્ગઠનથી પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્રિત વહીવટી માળખું ઊભું થશે. સાથે વન વિભાગની યોજનાના અમલીકરણમાં સુગમતા લાવવાનો હેતુ પણ સિદ્ધ કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું પુનર્ગઠન વન વિસ્તારના સંચાલન માટે જરૂરી વહીવટી આધાર પૂરો પાડે છે. રેન્જ-બીટની નવી રચના, વિસ્તારવાર જવાબદારી, બે મદદનીશ વન સંરક્ષકની વ્યવસ્થા અને સંબંધિત સ્ટાફ-સાધન સામગ્રીનું એકીકરણ આ પ્રક્રિયાના મુખ્ય ભાગો છે.

નિર્ણયનો અમલ હવે વહીવટી રીતે આગળ વધશે

આ ઠરાવ પ્રસિદ્ધિ થવાની સાથે તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે. આમ, બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન માત્ર રેન્જ અને બીટની હદ બદલવાનો વહીવટી નિર્ણય નથી, પરંતુ વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને મેદાની વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવતી સમગ્ર પ્રક્રિયા છે. પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા સહિતના વિસ્તારોને સંકલિત વહીવટી માળખામાં ગોઠવવાથી બરડા વિસ્તારના વન વ્યવસ્થાપનને વધુ મજબૂત વહીવટી આધાર મળશે અને સ્થાનિક સ્તરે જવાબદારી તથા દેખરેખનું માળખું વધુ સ્પષ્ટ બનશે.