હોર્મુઝની ખાડીમાં સંયુક્ત આરબ અમીરાતથી પોરબંદર આવી રહેલા ભારતીય જહાજ પર મિસાઈલ હુમલો, દ્વારકાના નાવિકે જીવ ગુમાવ્યો

હોર્મુઝની ખાડીમાં UAEથી પોરબંદર આવતા ભારતીય જહાજ MSV અલ જુસુફી પર મિસાઈલ હુમલો થયો છે. દ્વારકાના સલાયાના નાવિકનું નિધન થયું છે જ્યારે 13 ભારતીયોને બચાવી લેવાયા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 04:24 PM (IST)Updated: Tue, 03 Nov 2026 04:24 PM (IST)
indian-sailor-dies-in-hormuz-strait-missile-attack

Hormuz Strait Attack: મધ્ય પૂર્વના દરિયાઈ વિસ્તારમાં વધતા જતા તણાવ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. હોર્મુઝની ખાડી નજીક ભારતીય ક્રૂ ધરાવતા એક વેપારી જહાજ પર અચાનક મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના વતની એવા એક નાવિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે, ઓમાન કોસ્ટ ગાર્ડની ત્વરિત કામગીરીને કારણે જહાજમાં સવાર અન્ય 13 ભારતીય ખલાસીઓનો બચાવ થયો છે.

યુએઈથી પોરબંદર આવતી વખતે બની ઘટના

મળતી વિગતો અનુસાર, 'MSV અલ જુસુફી' (MSV AL JUSUFI - BDI-1442) નામનું આ કાર્ગો જહાજ 31 ઓક્ટોબર 2026ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના હમરિયા બંદરથી માલસામાન ભરીને ગુજરાતના પોરબંદર તરફ રવાના થયું હતું.

દરમિયાન 2 નવેમ્બરે ઓમાનના લીમા બંદર નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણ્યા સ્થળેથી આવેલી એક મિસાઈલ જહાજ સાથે અથડાઈ હતી. મિસાઈલ વાગતાની સાથે જ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

13 ખલાસીઓનો જીવ બચ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ અઝીઝે દમ તોડ્યો

જહાજમાં આગ લાગતાં જ તેમાં રહેલા તમામ 14 ભારતીય નાવિકોએ સમયસૂચકતા વાપરીને રેસ્ક્યૂ બોટ (લાઈફ બોટ) દ્વારા જહાજ છોડી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ ઓમાન કોસ્ટ ગાર્ડની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ સભ્યોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢી ઓમાનના ખસાબ બંદર તરફ લઈ જવામાં આવ્યા હતા.

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા દ્વારકાના સલાયામાં રહેતા ગાંધાર નાહીમ અઝીઝ નામના નાવિકને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે આખરી શ્વાસ લીધા હતા. હાલ બાકીના 13 ભારતીયો સુરક્ષિત હોવાના અહેવાલ છે.

naidunia_image

ભારતીય વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા

આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કડક વલણ અપનાવ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારી જહાજોને નિશાન બનાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. વેપારી જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત થવી જરૂરી છે જેથી કરીને વૈશ્વિક વેપાર અને માલસામાનની અવરજવર બિનઅધિકૃત રીતે અટકે નહીં.

ઓક્ટોબરમાં જ 5 ભારતીય ક્રૂ વાળા જહાજો નિશાને આવ્યા

પશ્ચિમ એશિયા અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારના દરિયાઈ માર્ગો અત્યંત જોખમી બન્યા છે.

29 ઓક્ટોબર: આ જ હોર્મુઝ વિસ્તારમાં 27 ભારતીય ક્રૂ ધરાવતા પનામાના ફ્લેગ વાળા 'MT લૂઈસ 1' ટેન્કર પર સ્પીડ બોટ દ્વારા વિસ્ફોટકો ચોંટાડીને હુમલો કરાયો હતો, જેમાં સદનસીબે તમામ ભારતીયો ઉગરી ગયા હતા. હોર્મુઝની ખાડીમાં ભારતીય નાવિકો હાજર હોય તેવા 5 જેટલા જહાજો પર હુમલા થઈ ચૂક્યા છે.

કુલ હુમલા: ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ના આંકડા મુજબ 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 122થી વધુ વેપારી જહાજોને નિશાન બનાવાયા છે.

ગ્લોબલ ઇકોનોમી અને મોંઘવારી વધવાનો ભય

પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની ખાડી એ વિશ્વમાં ક્રૂડ ઓઈલ અને ગેસના પરિવહન માટેનો સૌથી મહત્વનો માર્ગ છે. તાજેતરમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દે ગંભીર ચેતવણી આપી હતી. દરિયાઈ માર્ગો અસુરક્ષિત થવાથી સપ્લાય ચેઈન ખોરવાશે, જેનાથી ઈંધણ, અનાજ અને ખાતરના ભાવ વધશે અને તેની સૌથી માઠી અસર વિકાસશીલ દેશો પર પડશે.