સિદ્ધપુરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ: જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસમાં 65,654 નો મુદ્દામાલ જપ્ત

તપાસમાં દુકાનમાંથી કુલ 2,328 કિલોગ્રામથી વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જેનું અંદાજિત મૂલ્ય રૂપિયા 65,654/- જેટલું થાય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Dec 2025 08:36 AM (IST)Updated: Wed, 17 Dec 2025 08:36 AM (IST)
suspicious-quantity-of-food-grains-seized-in-siddhpur-goods-worth-rs-65654-seized-in-a-surprise-check-by-district-supply-officer

Patan News: જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ દ્વારા તારીખ 16/12/2025 ના રોજ સિદ્ધપુર શહેરમાં હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજના કાળાબજાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાકોશી ફાટક પાસેની દુકાનમાં દરોડો

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણની આગેવાની હેઠળ પુરવઠા નિરીક્ષકોની ટીમે સિદ્ધપુર શહેરના કાકોશી ફાટક નજીક આવેલ જી-30, શ્રીજી આર્કેડ ખાતે આવેલી ઠાકોર અજીતસિંહ જવાનજીની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી મોટો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો.

પુરાવા ન મળતાં જથ્થો સીઝ

તપાસમાં દુકાનમાંથી કુલ 2,328 કિલોગ્રામથી વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જેનું અંદાજિત મૂલ્ય રૂપિયા 65,654/- જેટલું થાય છે. મળી આવેલા જથ્થાની વિગતો નીચે મુજબ છે:

  • ચોખા: આશરે 1843 કિ.ગ્રા.
  • ઘઉં: આશરે 386 કિ.ગ્રા.
  • બાજરી: આશરે 45 કિ.ગ્રા.
  • ચણા: આશરે 54 કિ.ગ્રા.

જ્યારે દુકાન માલિકને આ જથ્થા અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ જથ્થો લોકો દ્વારા છૂટક વેચાણ માટે લાવવામાં આવે છે. જોકે, આ નિવેદનના સમર્થનમાં કોઈ બિલ કે સંતોષકારક પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

જથ્થા અંગે સંતોષકારક પુરાવા ન મળતા અને આ જથ્થો નિયમવિરોધી જણાતા, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના હુકમ-1977ની કંડિકા-11 મુજબ શંકાસ્પદ અનાજનો આખો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબાર યાદીમાં આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યવાહીથી સાર્વજનિક વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળના અનાજના કાળાબજાર પર નિયંત્રણ લાવવાના પ્રયાસોને મજબૂતી મળી છે.