Kinjal Rabari News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાસ્પદ બનેલા લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન પ્રકરણમાં આખરે રબારી સમાજની જીત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. રાધનપુરમાં યોજાયેલી રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સંયુક્ત બેઠક બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપી દેવામાં આવશે. આ દરમિયાન યુવક અશોક ચૌધરીના પિતાએ કરેલા ખુલાસાએ સમગ્ર મામલામાં નવો ગરમાવો લાવી દીધો છે.
અશોક ચૌધરીના પિતાએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશોક ચૌધરીના પિતાના નિવેદન મુજબ, તેઓ આ સંબંધને આગળ વધારવા માંગતા ન હતા. તેમણે જણાવ્યું કે, "અમારે છોકરી રાખવી નથી. આ બાબતે મેં મારા દીકરા સાથે પણ વાત કરી છે, જે હાલ દુબઈમાં છે. સમાજમાં શાંતિ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અમે સ્પષ્ટ કહી દીધું હતું કે આ મામલે સમજાવટથી કામ લેવું જોઈએ. માર ખાઈને દીકરીને સોંપવી એના કરતાં પહેલાં જ આદરપૂર્વક સોંપી દેવી સારી."
જીવના જોખમના આક્ષેપો અને વિડિયો ડિલીટ
આ પહેલાં કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વિડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો હતો કે તેને અને તેના પતિ અશોકને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી હતી. જોકે, ગઈકાલની બેઠક બાદ કિંજલ રબારીના સૂર બદલાયા છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન અને સુરક્ષાને લગતા તમામ વિડિયો ડિલીટ કરી નાખ્યા છે, જે સૂચવે છે કે સામાજિક દબાણ અથવા સમજાવટ હેઠળ આ સમાધાન કરવામાં આવ્યું છે.
ગુજરાતના કલાકારો અને આંતરજ્ઞાતીય લગ્નોનો વિવાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોક કલાકારોના અંગત જીવન અને લગ્ન મુદ્દે વિવાદોની હારમાળા સર્જાઈ છે. અગાઉ કિંજલ દવે અને આરતી સંગાણીના કિસ્સામાં પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. હવે કિંજલ રબારીના કિસ્સામાં રબારી સમાજના આગેવાનોના કડક વલણને કારણે ચૌધરી પરિવારે નમતું જોખવું પડ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
રબારી સમાજની જીત અને ઠાકરશી રબારીનું સ્ટેન્ડ
રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ આ નિર્ણયને સમાજ માટે યોગ્ય ગણાવ્યો છે. તેમના મતે, દીકરીની સુરક્ષા અને સમાજની માન-મર્યાદા જળવાય તે સૌથી મહત્વનું છે. સામાજિક પંચ દ્વારા જે રીતે આ મામલો થાળે પાડવામાં આવ્યો છે, તેને રબારી સમાજ પોતાની નૈતિક જીત તરીકે જોઈ રહ્યો છે.
કિંજલ રબારીના વિવાદનો ભલે સુખદ અંત આવ્યો હોય તેવું લાગે, પરંતુ આ ઘટનાએ આંતરજ્ઞાતીય સંબંધો અને સામાજિક રૂઢિચુસ્તતા વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. હવે કિંજલ રબારીના ભવિષ્ય અને તેના કરિયર પર આ વિવાદની શું અસર પડશે તે તો આગામી સમય જ બતાવશે.
