પોરબંદરમાં ST પ્રમાણપત્રો મુદ્દે માલધારીઓને હેરાન કરાવનું બંધ કરવા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની માગ

Thakarshi Rabari:પોરબંદર:કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઠાકરસિંહ રબારીએ ફરી એકવાર મેદાનમાં આવીને માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 17 Aug 2026 05:37 PM (IST)Updated: Mon, 17 Aug 2026 05:37 PM (IST)
congress-leader-thakarsinh-rabari-demands-to-stop-harassing-property-owners-over-st-certificates-issue-in-porbandar

Thakarshi Rabari:પોરબંદર:કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઠાકરસિંહ રબારીએ ફરી એકવાર મેદાનમાં આવીને માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. પોરબંદરમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સામાજિક કાર્યક્રમ દરમિયાન તેમણે માલધારીઓની રોજગારી અને સરકારી નોકરીઓમાં નડતી મુશ્કેલીઓ અંગે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જો સમાજના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં મતદારો દ્વારા ચૂંટણીમાં તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

સરકારી નોકરીઓ અને એસ.ટી પ્રમાણપત્રોના નામે ભારે હાલાકી

ઠાકરસિંહ રબારીએ માલધારી યુવાનોની વેદના વાચા આપતા જણાવ્યું હતું કે હાલમાં સરકારી ભરતીઓમાં નોકરી મેળવવા અથવા નોકરી પર ચાલુ રહેવા માટે માલધારી સમાજના દીકરા-દીકરીઓ પાસે એસ.ટી. (Scheduled Tribe) ના અસંખ્ય વર્ષો જૂના પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે, જેના કારણે યુવાનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે સરકારને ઘેરતા સવાલ કર્યો હતો કે જ્યારે ખુદ સરકાર પાસે જ આ સંબંધિત કોઈ જૂના રેકોર્ડ કે દસ્તાવેજો ઉપલબ્ધ નથી, તો પછી વર્ષોથી જંગલ વિસ્તારમાં પાયાની સુવિધાઓ વિના જીવતો માલધારી સમાજ આવા અશક્ય પુરાવા ક્યાંથી લાવે?

તેમણે ઉમેર્યું કે અગાઉ મલકાન પંચ અને મંડલ પંચના સત્તાવાર રિપોર્ટના આધારે તેમજ ભૂતકાળમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની સરકાર દ્વારા પણ કાર્ડ આપવામાં આવ્યા હતા. સરકારે પોતે જ આપેલા આ કાર્ડ હોવા છતાં હવે નવી શરતો મૂકીને યુવાનોને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ. જો સરકારને ખરેખર શંકા હોય તો તેમણે એક સરકારી કમિટી બનાવીને ગીર, બરડા અને આલેચના નેહડાઓમાં રૂબરૂ મોકલવી જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે કે માલધારીઓ કેવી વિપરીત પરિસ્થિતિમાં જીવે છે.

નેહડાઓની કપરી પરિસ્થિતિ અને પાયાની સુવિધાઓનો અભાવ

તાજેતરમાં ગીર અને બરડાના આશરે 500 જેટલા નેહડાઓની રૂબરૂ મુલાકાત લીધાનો ઉલ્લેખ કરતા તેમણે સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને પણ આડે હાથ લીધા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગીર વિસ્તારમાં રસ્તાઓ છે પરંતુ બરડા ડુંગરના 56 જેટલા નેહડાઓમાં આજે પણ રોડ-રસ્તા, લાઈટ, પંખા કે પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પહોંચી નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ માલધારીઓ જંગલ જેવું કઠિન જીવન જીવી રહ્યા છે અને જંગલની જમીન પર કાયદેસરનો હક હોવા છતાં તેમને જમીન ખેડવા દેવામાં આવતી નથી. તેમણે સરકારને વિનંતી કરી હતી કે જે એસ.ટી. નો દરજ્જો વર્ષો પહેલા મળ્યો હતો તેને છીનવવાનો પ્રયાસ ન કરવામાં આવે.

સામાજિક એકતા અને શિક્ષણ પર વિશેષ ભાર

પોરબંદરની આ પવિત્ર ધરતીને મહાત્મા ગાંધીની સત્યાગ્રહની ભૂમિ ગણાવતા તેમણે સમગ્ર માલધારી સમાજને એકતા રાખવા અપીલ કરી હતી. વર્ષ 1982 માં જે જમીનનું ભૂમિપૂજન થયું હતું તે કરોડોની કિંમતી મોકાની જમીન ખરીદીને ભવન બનાવનારા વડીલો અને પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિને તેમણે હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ બધાભાઈ મોરી અને ઉપસ્થિત યુવાનોને અનુરોધ કર્યો હતો કે આ સમાજના અસ્તિત્વનો સવાલ છે, તેથી ગીર, બરડા અને આલેચના તમામ લોકોએ એક તાંતણે બંધાવું પડશે.

આ ઉપરાંત, તેમણે 91 વર્ષીય ગાંધીવાદી આગેવાન માલજી દાદાના કાર્યોને યાદ કરીને સમાજને વધુ શિક્ષિત બનાવવા અને પ્રગતિના પંથે લઈ જવા માટે યુવાનોને આગળ આવવા જણાવ્યું હતું. તેમણે મોરબી અને હાલાર પંથકના માલધારી યુવાનો દ્વારા બનાવાયેલી 'સમરસ સમિતિ' નું ઉદાહરણ આપીને જણાવ્યું કે, તમામ આગેવાનોએ પોતાના ધંધામાંથી દર મહિને 5 દિવસનો સમય ફાળવીને નેહડે-નેહડે જઈ ગ્રામ્ય સમિતિઓ બનાવવી જોઈએ જેથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વેગવંતી બને અને દીકરીઓ માટે છાત્રાલય જેવી સગવડો ઊભી કરી શકાય.