Kinjal Rabari News: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જોકે, આ વિવાદમાં હવે એક મોટો અને મહત્વનો વળાંક આવ્યો છે. બંને સમાજના વડીલો અને આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ગત રાતે પોતાના ઘરે પરત ફરી છે અને વિવાદનું સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
લગ્ન અને સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ
આ પણ વાંચો
કિંજલ રબારીએ થોડા સમય પૂર્વે જ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેણે પોતાની ઈચ્છાથી આ પગલું ભર્યું છે. જોકે, આ આંતરજ્ઞાતીય લગ્નના સમાચાર વાયુવેગે ફેલાતા રબારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કિંજલે વીડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે તેને અને તેના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહ્યા છે અને તેમના જીવનું જોખમ છે. આ બાબતે તેણે પોલીસ પ્રોટેક્શનની માંગણી સાથે નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ સુધી રજૂઆતો પણ કરી હતી.
સમાજના આગેવાનોની મહત્વની બેઠક
આ લગ્ન મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે વૈમનસ્ય ન વધે તે હેતુથી ગઈકાલે બનાસકાંઠામાં બંને સમાજના વરિષ્ઠ આગેવાનોની એક ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક સૌહાર્દ જાળવવા અને દીકરા-દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગેવાનોની સમજાવટ અને કૌટુંબિક લાગણીઓને માન આપીને કિંજલ રબારીએ આખરે પોતાના નિવાસે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી
ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ મોટું પગલું ભર્યું છે. તેણે અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. કિંજલના આ પગલાને સમાધાનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યાં આક્રોશ હતો ત્યાં હવે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
સામાજિક સૌહાર્દનો સંદેશ
લોકગાયિકા હોવાને નાતે કિંજલ રબારીની મોટી ચાહકવર્ગ છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ અભિપ્રાયો વહેતા થયા હતા. પરંતુ સમાજના આગેવાનોએ સમયસૂચકતા વાપરીને આ મામલાને વધુ વકરતા અટકાવ્યો છે. હાલમાં કિંજલ તેના પરિવાર સાથે છે અને પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોવાનું તેના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે.
કોઈપણ વિવાદ જ્યારે સામાજિક રૂપ લે છે ત્યારે સમજાવટ જ એકમાત્ર રસ્તો હોય છે. કિંજલ રબારીના કેસમાં પણ આગેવાનોની મધ્યસ્થી ફળદાયી સાબિત થઈ છે. ગાયિકાના ઘરે પરત ફરવાથી તેના પરિવાર અને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
