Patan News: પાટણ જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી બાદ ભારે ગરમાવો આવ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે, જેમાં વ્યક્તિગત આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
રાજકારણ ગરમાયું
રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "તમે રાધનપુરની જનતાએ એક સારું કામ કર્યું છે, તમે બધા બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા છો." કિરીટ પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, તમારે વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરી શકે એવા ધારાસભ્યની જરૂર છે કે વરઘોડામાં નાચીને ખુશ કરે એવા?
લવિંગજી ઠાકોરનો વળતો પ્રહાર
કિરીટ પટેલના આ નિવેદન બાદ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, "હું તો નાનપણથી ભજનનો માણસ છું, સત્સંગનો માણસ છું. ભારતની સંસ્કૃતિ જાળવી રાખવી અમારી ફરજ છે."
લવિંગજી ઠાકોરે કિરીટ પટેલ પર ગંભીર અંગત આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો. મને ખબર છે કે તમે દારૂ પીને જેમ ફાવે એમ બોલો છો અને પડ્યા રહો છો, ન ખાવાનું ખાવ છો." તેમણે કિરીટ પટેલને ચેતવણી આપતા કહ્યું હતું કે, તમે અમારા તરફ એક આંગળી ચીંધશો તો ત્રણ આંગળી તમારા પર આવશે.
કિરીટ પટેલનો ફરી પલટવાર
લવિંગજી ઠાકોરના આક્ષેપો બાદ કિરીટ પટેલે ફરી પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મારા દારૂ પીને પડી રહેવાના એક પણ વીડિયો લવિંગજી પાસે હોય તો મને મોકલાવે, બાકી એમના નાચતા હોવાના અનેક વીડિયો છે. કિરીટ પટેલે લવિંગજી ઠાકોરની કામગીરી પર સીધા સવાલો ઉઠાવતા પૂછ્યું કે, "પાટણ જિલ્લામાં સંકલનની કેટલી મીટિંગમાં તેઓ હાજર રહ્યા? તેમજ રાધનપુર વિધાનસભા વિસ્તારના કેટલા પ્રશ્નોની રજૂઆત કરી?" કિરીટ પટેલે છેલ્લે કહ્યું કે, જો લવિંગજી ઠાકોર દારૂ અને ડ્રગ્સના મુદ્દે આંદોલન કરશે તો તેઓ પોતે અને તેમના સમર્થકો તેમને સાથ આપશે. કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં ખેડૂતોની દેવામાફી, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા અને મોંઘવારી સહિતના મુદ્દાઓ ઉઠાવાયા હતા.
