Patan News: પાટણ જિલ્લાના સમી પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આઈશ્રી ખોડિયારધામ વરાણા મંદિરમાં દાનચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ખોડિયારધામ મંદિરના પૂજારીએ એક જ નંબરની અલગ અલગ પાવતી બનાવીને એક કંપની માલિકે આપેલા 1 લાખના દાનની રકમ ચોરી કરી હોવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે. દાતા સાથે છેતરપિંડીના આક્ષેપ સાથે મંદિરના ટ્રસ્ટે પૂજારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
મંદિરના પૂજારી વિરુદ્ધ દાનચોરીનો આરોપ
આ પણ વાંચો
આઈશ્રી ખોડિયારધામ વરાણા મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ ગગજીભાઈ નાડોદા દ્વારા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ખોડિયારધામ મંદિરના જૂના પૂજારીની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ રહેતી હતી. જેથી તેમના સ્થાને મંદિરના પૂજારી તરીકે તેમના ભત્રીજા કૃણાલદાન ઉર્ફે કિશોરદાન ચંડીદાન માતાજીની સેવા પૂજા કરે છે. એક વર્ષ પહેલા આઈશ્રી ખોડિયાર ક્રિએશન કંપનીના માલિકે મંદિરમાં 1 લાખ રુપિયાની રકમ દાન કરી હતી.
મંદિર ટ્રસ્ટીએ નોંધાવી પોલીસ ફરિયાદ
રુ.1 લાખની રકમ સ્વીકારીને પૂજારી કૃણાલદાન ગઢવીએ રસીદ આપી હતી. પરંતુ એક જ નંબરની રસીદ અન્ય રુ.500ના દાન સ્વીકારવામાં અપાઈ હોવાની જાણ મંદિર ટ્રસ્ટને કરાઈ હતી. કોઈ વ્યક્તિએ આ બાબતનું ધ્યાન દોરતાં મંદિર ટ્રસ્ટે આ બાબતે તપાસ કરી હતી. મંદિર ટ્રસ્ટને જાણવા મળ્યું કે, રુ.1 લાખ દાનની રકમ મંદિરમાં જમા થઈ જ નથી. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓએ સમી પોલીસ મથકમાં પૂજારી પર દાનચોરીનો આક્ષેપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
પૂજારીએ બે મહિના પહેલા નોંધાવી હતી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, મંદિરના પૂજારી ચારણ કૃણાલદાન ચંડીદાને બે માસ અગાઉ મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ સમી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, મંદિર ટ્રસ્ટીઓ સાથે રહેલા અન્ય લોકો મંદિરમાં પ્રવેશીને નિત્ય પૂજા અર્ચનામાં બાધા ઉત્પન્ન કરતાં. તેમજ ધાક ધમકીઓ પણ આપતા હતા. ઉપરાંત પૂજારીએ આક્ષેપ કર્યો હતો કે, તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાથી તેમના ધ્યાને આવતા, ખોટી ભ્રામક અને ધાર્મિક સેવાથી વંચિત રાખવાના હેતુથી અરજી કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે સમી પોલીસ કાર્યવાહી કરી રહી છે.
