Patan News: પાટણ જિલ્લાના બેંક ગ્રાહકો માટે આગામી સપ્તાહમાં બેંકિંગ સેવાઓને લઈને મહત્વના સમાસાર સામે આવ્યા છે. આગામી સાત દિવસ દરમિયાન રજાઓ અને હડતાળના લીધે બેંકિંગ કામગીરી પર મોટી અસર જોવા મળશે. 26 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે માત્ર 2 દિવસ જ બેન્કોની બ્રાન્ચ ખુલ્લી રહેશે. તેથી બેન્કો દ્વારા ગ્રાહકોને જણાવાયું છે કે, તેઓ રોકડ, ચેક અને દસ્તાવેજી કામ કરાવવાનું હોય તો અગાઉથી આયોજન કરી લેવું જરુરી છે.
સોમવારથી ત્રણ દિવસથી હડતાળ
જિલ્લામા બેન્કોમાં 26 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના દિવસોમાં બેંકિંગ કામગીરીનું શિડ્યુલ રજા અને હડતાળના લીધે જ ખોરવાશે. 26 સપ્ટેમ્બરે ચોથો શનિવાર હોવાથી બેંક કામગીરી બંધ રહી હતી. જ્યારે 27 સપ્ટેમ્બર રવિવારની રજા હોવા છતાં બેન્કો ચાલુ રહેશે.
28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર (સોમવારથી બુધવાર) બેન્ક કર્મચારીઓની 3 દિવસની હડતાળ હોવાથી તમામ બેન્કો બંધ રહેશે. જ્યારે 1 ઓક્ટોબર ગુરુવારના દિવસે તમામ બેન્કોની બ્રાન્ચો સામાન્ય રીતે ખુલ્લી રહેશે. 2 ઓક્ટોબર શુક્રવારે ગાંધી જયંતિના દિવસે જાહેર રજા રહેશે.
ડિજિટલ માધ્યમોનો ઉપયોગ
બેન્ક કર્મચારી યુનિયનના જણાવ્યા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે, 27 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ બેન્કોમાં કામગીરી ચાલુ રહેશે. તેમજ રજાના દિવસે કામ કરનાર કર્મચારીઓને કાયદેસર ઓવરટાઇમ અથવા વેતન ચૂકવવામાં આવશે. ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે એટીએમ, યુપીઆઈ, ઇન્ટરનેટ બેન્કિંગ જેવી સુવિધાઓનો વપરાશ કરવાની સલાહ અપાઈ છે.
