Kinjal Rabari Controversy: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના વિવાદ બાદ પાટણના સિનાડ ગામે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ હોવાના અહેવાલ સામે આવ્યા છે, સિનાડ ગામ ખાતે પોલીસ બંદોબસ્તમાં તૈનાત પોલીસ ટુકડી પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કરતાં પીએસઆઇ એચ.વી. ચૌધરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કિંજલ રબારીનો વિવાદ
આ પણ વાંચો
અમદાવાદ શહેરમાંથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણની આશંકા બાદ, તેમણે પોતે સ્વેચ્છાએ પતિ અશોક ચૌધરી પાસે ગયા હોવાનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે અગમચેતીના ભાગરુપે તેમના વતન સિનાડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મંદિરે દર્શન કરવા બાબતે ઘર્ષણ
સિનાડ ગામમાં સોમવારના રોજ લાભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને કેટલાક સ્થાનિક લોકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. સ્થિતિ ગંભીર બનતા પોલીસે મધ્યસ્થી કરી લોકોને દર્શન માટે જવા દેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક આવેલું ટોળું પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યું હતું.
પીએસઆઈ પર કરાયો હુમલો
રાધનપુર ડીવાયએસપી કૃણાલસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે, સિનાડ ગામમાં સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી પીએસઆઈ એચ.વી ચૌધરી પર ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પીએસઆઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ મામલે પીએસઆઈ એચ.વી. ચૌધરી પોતે ફરિયાદી બન્યા છે. પોલીસે જગદીશ મકવાણા અને લેબાભાઈ મકવાણા સહિતના અન્ય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
