પાટણવાસીઓને મળશે નવું ST બસ સ્ટેન્ડ, ચાણસ્મામાં નવા ST ડેપો-વર્કશોપનું નિર્માણ; 30 નવેમ્બરે ખાતમુહૂર્ત

બંને પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન પાટણના સિદ્ધપુર ચોકડી બસ સ્ટેશન કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 06:57 PM (IST)Updated: Sun, 29 Nov 2026 06:57 PM (IST)
patan-siddhpur-chokdi-new-st-bus-station-chanasma-st-depot-workshop-foundation-ceremony

Patan News: પાટણ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પાટણની સિદ્ધપુર ચોકડી ખાતે નવા ST બસ સ્ટેશન અને ચાણસ્મા ખાતે નવા ST ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. આ બંને વિકાસકામોનું ખાતમુહૂર્ત 30 નવેમ્બર, સોમવારના રોજ સવારે કરવામાં આવશે.

રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા પાટણ અને ચાણસ્મા વિસ્તારના પરિવહન માળખાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી 2 નવા બાંધકામ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રકલ્પ અંતર્ગત પાટણ શહેરની સિદ્ધપુર ચોકડી ખાતે આધુનિક એસ.ટી. બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે.

આ ઉપરાંત ચાણસ્મા ખાતે નવા એસ.ટી. ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. બંને વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત સમારોહ 30 નવેમ્બર 2026 ના રોજ સવારે પાટણના સિદ્ધપુર ચોકડી બસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

30 નવેમ્બર, સોમવારે યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ

મહેસાણા એસ.ટી. વિભાગીય નિયામક દ્વારા આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ કુમાર પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત અન્ય મહાનુભાવો હાજરી આપશે.

પાટણના મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ

પાટણની સિદ્ધપુર ચોકડી ખાતે નવા એસ.ટી. બસ સ્ટેશન અને ચાણસ્મામાં નવા ડેપો-વર્કશોપનું નિર્માણ પૂર્ણ થયા બાદ બંને વિસ્તારના મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ બંને પ્રકલ્પોથી પાટણ અને ચાણસ્મા પંથકના પરિવહન માળખાને મજબૂતી મળશે તેમજ મુસાફરોને વધુ સારી બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપ સેવાઓનો લાભ મળી શકશે.