Patan Accident News: પાટણ જિલ્લાના શંખેશ્વર પંથકમાં શંખેશ્વર-પાનવા રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી અલ્ટો કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બાઈક પર સવાર 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
સુરેન્દ્રનગરનો બજાણા ગામનો પરિવાર ભોગ બન્યો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા ગામનો રહેવાસી છે. પરિવારના 4 સભ્યો બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી અલ્ટો કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા પરિવારના સભ્યો રોડ પર ફંગોળાઈ ગયા હતા.
બાળકીનું મોત, પરિવારના અન્ય 3 સભ્યો ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં બાઈક પર સવાર 6 વર્ષીય બાળકી આફિયા મોસીનભાઈ સમાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. નાની વયની બાળકીના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. તેમજ આ અકસ્માતમાં મૃતક બાળકીના માતા-પિતા અને ભાઈ સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે શંખેશ્વરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ નાજુક જણાતાં વધુ અને વિશેષ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
