Patan News: રાધનપુર-વારાહી હાઈવે પર પાર્ક ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં 3 લોકોના કરુણ મોત, 4 ગંભીર

પાટણના રાધનપુર-વારાહી હાઈવે પર પાર્ક ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં 3 લોકોના કરુણ મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 03:44 PM (IST)Updated: Sun, 06 Sep 2026 03:44 PM (IST)
patan-radhanpur-varahi-highway-eco-car-truck-accident-three-killed-four-injured

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના પ્રખ્યાત યાત્રાધામ ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા 3 મિત્રોની કાર હાઈવે પર પાર્ક ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં ઘટનાસ્થળે જ ઈકો કારમાં સવાર 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરતા અકસ્માત

મળતી માહિતી મુજબ, ઈકો કારમાં કેટલાક લોકો ખાટુશ્યામજીના દર્શન કરીને જઈ રહ્યા હતા. ત્યારે રાધનપુર નજીકના નેશનલ હાઈવે પર તેમને કાળમુખો અકસ્માત નડ્યો હતો. હાઈવે પર પાર્ક કરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારનો કૂચડો વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.

પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

ઘટના અંગે તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ 4 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. દર્શન કરીને ઘર તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. હાલ પોલીસે ઘટનાનો ગુનો નોંધીને ફરાર ટ્રક ડ્રાઇવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકોના નામ

  • શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા
  • સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા
  • મહેશ અંબુભાઈ મહેતા