Patan News: પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 14 વર્ષ પહેલાં જૈન એકેડેમી વિભાગ ચાલું કરાયો હતો. હાલ પણ જૈન ધર્મનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે આ એડેકેમી વિભાગ શરૂ કરવાની માંગ સાથે મહારાજ સાહેબ, જ્ઞાન મંદિરના ટ્રસ્ટીઓ સહિત જૈન સમાજના પ્રતિનિધી મંડળ દ્વારા કુલપતિની શુભેચ્છા મુલાકાત લઈ રજૂઆત કરાઈ હતી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ચૌદ વર્ષ પૂર્વે જૈન શ્રેષ્ઠિઓના સહયોગથી શરૂ કરાયેલ જૈન એકેડેમી વિભાગ પુનઃ ધમધમતો બને અને આ વિભાગમાં જૈન ધમત્ના અભ્યાસ ઈચ્છુક વિદ્યાથીઓ પ્રવેશ મેળવી જૈન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે ગુરૂવારે મહાવિદેહ વિજયજી મહારાજ સાહેબ, મહાશાલવિજયજી મહારાજ સાહેબ, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રાકૃત વિદ્વાન સહિત પાટણનાજૈન સમાજના એક પ્રતિનિધિ મંડળે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ કીશોરજી પોરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જૈન સાધુ ભંગવંતો સાથે જૈન મંડળના સભ્યોએ કુલપતિની શુભેચ્છાઓ મુલાકાત દરમિયાન રજુઆત કરી હતી કે, પાટણના જૈન સમાજની ઉદાર સખાવતથી યુનિવર્સિટી કેમ્પસમાં જૈન એકેડેમી માટેના વિશાળ ભવનનું નિર્માણ આશરે 14 વર્ષ અગાઉ કરી આપવામાં આવ્યું છે. છતા આ ભવન નિર્માણ પાછળના મૂળભૂત ઉદેશોની પરિપૂર્તી ના થવાથી જૈન સમાજ વ્યથિત હોવાની લાગણી અનુભવી રહ્યો છે.
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં હેમચંદ્રાચાર્યના વિવિધ વિષયક 25 ગ્રંથો આજે પણ અકબંધ સચવાયેલા છે જેનું શ્લોક પ્રમાણ 204656 જેટલું છે. આમ છતાં યુનિવર્સિટીના સ્નાતક કે અનુસ્નાતકના અભ્યાસ ક્રમોમાં હેમચંદ્રાચાર્યની એક પણ કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો નથી તે બાબતે પણ વિઘાજગતની નારાજગી હોવાની રજુઆત કરવામાં આવી હતી.
