Patan News: પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 15થી વધુ ગ્રામજનો પર અજાણ્યા વન્યપ્રાણી દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો. ગ્રામજનોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ હુમલામાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ગ્રામજનોને આશંકા છેકે આ પ્રાણી શિયાળ છે. પરંતુ વન વિભાગ દ્વારા હાલ હુમલો કરનાર પ્રાણી અંગે સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી.
વન્ય પ્રાણીના આતંકથી ગ્રામજનોમાં ભય
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક હિંસક પ્રાણી આવી ચડ્યું હતું. ઘર આંગણે અને બહાર ઉઁઘી રહેલા ગ્રામજનો પર હુમલો કર્યો હતો. વન્ય પ્રાણી દ્વારા અચાનક જીવલેણ હુમલો કરવામાં આવતા ગ્રામજનોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ચીસાચીસ સાથે ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઇ હતી. વન્ય પ્રાણીએ પુરુષો અને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી હતી.
વન્ય પ્રાણીના હુમલામાં લોકોને માથાના અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ધારપુર સ્થિત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
હુમલો કરનાર પ્રાણીના હાલ સત્તાવાર પૃષ્ટિ નહીં
બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. બનાવ સ્થળેથી પ્રાણીના પગના માર્ક મેળવવામાં આવ્યા છે. તેમજ ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવ અંગે સ્થાનિક RFO રાજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, વન વિભાગની ટીમ વૌવા ગામ પહોંચી છે અને સ્થિતિ નિયંત્રિત કરી રહી છે. કયા પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની હાલ પૃષ્ટિ થઇ નથી. કયા પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
શિયાળે હુમલો કર્યો હોવાની ગ્રામજનોને આશંકા
ગ્રામજનો દ્વારા હડકાઇ શિયાળ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પગ માર્ક અને ટેક્નિકલ તપાસ બાદ વન વિભાગ દ્વારા સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવશે કે હુમલો કરનાર વન્ય પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઇ. વન વિભાગ દ્વારા પ્રાણીની ઓળખ મેળવી તેને પાંજરે પૂરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
