Patan: પ્રેમમાં ગળાડૂબ પ્રેમી પંખીડાએ એક થવા ફિલ્મ જોઇ ખેલ્યો ખૂની ખેલ, ફક્ત એક લિટર પેટ્રોલે સમગ્ર ભાંડો ફોડ્યો

પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષની હત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમી પંખીડાએ સાથે જીવવા માટે બોલિવૂડ ફિલ્મ જોઈને તેની સ્ટોરી માફક એક આધેડની હત્યા કરી નાખી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 May 2025 04:44 PM (IST)Updated: Wed, 28 May 2025 05:09 PM (IST)
patan-news-lovebirds-played-a-murderous-game-after-watching-the-film-drishyam-to-unite

Patan News: પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે પ્રેમ પ્રકરણમાં એક આધેડની હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી યુગલે સાથે જીવવા માટે બોલીવુડ ફિલ્મ જોઈને તેની સ્ટોરીની માફક એક આધેડને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. ત્યારબાદ મૃતદેહને મહિલાના કપડાં પહેરાવીને તેને આગ લગાવી દીધી હતી. એવો દેખાડવાનો પ્રયાસ કર્યો કે, કોઈ કારણોસર આગ લાગતા યુવતીનું મોત થયું છે. પરંતુ આખા ષડયંત્ર અને પ્લાનિંગમાં એક ભૂલના કારણે તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

આધેડને બાળી નાખવામાં આવ્યો

મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સાંતલપુરના જાખોત્રા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ આઘેડને મહિલાના કપડા પહેરાવામાં આવ્યા હતા અને પગમાં ઝાંઝર પણ. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ રહેતી ગીતા આહિર અને તેની પાડોશમાં રહેતા ભરત આહિર બંને ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ગીતા આહિર પરણિત હતી છતા તેને અન્ય પુરુષ ભરત આહિર સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. સમાજ બન્નેને સાથે રહેવા દેશે નહીં એવું માની બન્નેએ એવો પ્લાન બનાવ્યો કે જેમા એવું લાગે કે ગીતા સળગીને મરી ગઈ છે અને કોઈને ષડયંત્રની ગંધ પણ ન આવે તેવું પ્લાનિંગ નક્કી કર્યું હતું.

દ્રશ્યમ ફિલ્મ જોઇ વિચાર આવ્યો

બંનેને પકડાઈ જવાનો ડર હતો, તેથી તેમણે "દ્રશ્યમ" ફિલ્મ જોઈને એક ષડયંત્ર રચ્યું હતું. પ્રેમી પંખીડાએ સાથે મળીને એવું નક્કી કર્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ શોધીને તેને ગીતાના કપડાં પહેરાવી, ઘરની પાછળના ભાગમાં આગ લગાવી દઈશું અને ભાગી જઈશું. જેથી ગીતાનું આગમાં મોત થયું છે તેવું સાબિત થાય અને પરિવાર ગીતાની શોધ કરે નહીં. પછી બન્ને શાંતિથી જોડે રહે.

પોલીસનું નિવેદન

SP નાયીએ જણાવ્યું કે, સોમવારે ભરત આહિર મુંબઇથી જાખોત્રા આવ્યો હતો અને બાઈક મારફતે આજુબાજુના ગામ સાંતલપુર, દાતરડા અને મહુવામાં એવી વ્યક્તિને શોધી રહ્યો હતો કે, જેને તે આસાનીથી મારી શકે અને સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આ દરમિયાન રાત્રે આઠેક વાગ્યાની આસપાસ મહુવામાંથી ભરતને એક આધેડ વ્યક્તિ મળ્યા અને બાઈક પર બેસાડ્યા હતા. બાદમાં એક ખેતર પાસે લઈ જઈ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી. જે દરમિયાન આધેડ વ્યક્તિ બેભાન થઈ જતા અને આધેડને બેભાન અવસ્થામાં જ ભરતે પોતાની સાથે દોરડા વડે બાંધી જાખોત્રા ગામની સીમમાં તળાવ કાંઠે લઈ ગયો, જ્યાં આધેડનું મોત થયું હતું. બાદમાં તેણે મૃતદેહને ત્યાં છુપાવી દીધો હતો.

આ રીતે પ્લાન ઘડાયો

ઘટના બાદ રાતના એક વાગ્યાના સમયે ભરતે ગીતાને ફોન કર્યો અને બનાવની જાણ કરીને મૃતદેહ જે જગ્યાએ સંતાડ્યો હતો, ત્યાં બોલાવી હતી. જેથી ગીતા પોતાના ઘરેથી એક થેલીમાં કપડાં અને એક બોટલમાં પેટ્રોલ લઈને પહોંચી હતી, જ્યાં બંનેએ સાથે મળીને આધેડના મૃતદેહને ગીતાના કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવી તેણીના ઘરની પાછળના વાડામાં લાવ્યા અને આજુબાજુમાંથી લાકડાં એકઠા કરી મૃતદેહને સળગાવીને બાઈક લઈને ભાગી ગયા હતા. આ બાદ, તેઓએ બાઈક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકીને ત્યાંથી પાલનપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ જોધપુર જવાનો પ્લાન બનાવ્યો હતો, જે માટે ટિકિટ પણ લીધી હતી. જોકે LCB પોલીસની ટીમ બંનેને ટ્રેક કરી રહી હતી, તેથી તેઓ પાલનપુર રેલવે સ્ટેશનથી જ પકડાઈ ગયા હતા.

આ રીતે ભાંડો ફૂટ્યો

બંનેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સંપૂર્ણ ષડયંત્રને અંજામ આપવા બંનેએ એક-એક લિટર પેટ્રોલ લઈ આવી કુલ બે લીટર પેટ્રોલથી મૃતદેહને સળગાવવાનું નક્કી કરેલ હતું. પ્લાનિંગ પ્રમાણે ગીતા એક લિટર પેટ્રોલ લઈ આવી, પરંતુ ભરત વ્યક્તિને શોધવામાં વ્યસ્ત હોવાથી તે પેટ્રોલ લાવી શક્યો ન હતો. જેથી એક લીટર પેટ્રોલથી જ તેઓએ મૃતદેહને આગ ચાંપી હતી. પ્લાન પ્રમાણે પેટ્રોલની પૂરતી માત્રા ન હોવાથી મૃતદેહ સંપૂર્ણપણે સળગી શક્યો નહીં, જેથી આ મૃતદેહ ગીતાનો નહીં પણ એક પુરુષનો હોવાનું સામે આવ્યું હતું અને બંનેનો ભાંડો ફૂટ્યો હતો.