Patan News: પાટણના સાંતલપુર પાસે અકસ્માતની ઘટના બની છે. રસ્તામાં વન્ય પ્રાણી આડું ઉતરતા ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની નજીકના ખાડામાં ઉતરી ગઇ હતી. બનાવમાં ફાગલી ગામના જોશી પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યાં હતા. જોશી પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સાંતલપુર તાલુકાના ફાગલીમાં રહેતો જોશી પરિવારના ચાર સભ્યો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નિકળ્યા હતા. પતિ-પત્ની અને તેમના બન્ને બાળકો એક સ્વિફ્ટ કારમાં જઇ રહ્યાં હતા. જે દરમિયાન ફાગલી અને ચારણકા ગામ વચ્ચે રસ્તામાં અચાનક એક વન્ય પ્રાણી આવી ગયું હતું. પ્રાણીને બચાવવા જતા ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. ચાલકે કાબુ ગુમાવતા કાર રસ્તાની નજીકમાં આવેલા એક ખાડામાં ખાબકી હતી.
આ પણ વાંચો
અકસ્માત થયો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. ખાડામાં પાણી ભરેલું હોવાથી જોશી પરિવારના ચાર સભ્યોના ડુબી જવાના કારણે મોત નીપજ્યાં હતા. પોલીસે ખાડાના પાણીમાં ડુબેલા ચાર સભ્યોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે સાંતલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. એકજ પરિવારના ચાર સભ્યોના મોત નીપજતાં ફાગલી ગામમાં ગમગીની છવાઈ ગઇ હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
