Patan: પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા 'કેચ ધ રેઇન' અભિયાન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 'ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં'ના અભિગમ સાથે ખેડૂતોને પાણી સંચયના માધ્યમો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત પ્રજાપતિ જયંતીભાઈ ભીખાભાઈએ પોતાના ખેતરમાં બનાવેલા 'હોલિયા' દ્વારા આ અભિયાનને સફળતા પૂર્વક સાકાર કર્યું છે.
પ્રજાપતિ જયંતીભાઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે. તેમણે પોતાના ખેતરમાં લગભગ 20 થી 25 ફૂટ ઊંડો રિચાર્જ કૂવો એટલે કે 'હોલિયો' બનાવ્યો છે. વરસાદી પાણી અથવા કેનાલનું વધારાનું પાણી ખેતરમાં ભરાય, ત્યારે તે સીધું આ હોલિયામાં શોષાઈને જમીનમાં ઉતરી જાય છે. જેના કારણે વરસાદના સમયમાં જમીનમાં સંચિત થયેલું પાણી ઉનાળામાં પણ ઉપયોગી બને છે.
આ અંગે જયંતીભાઈએ જણાવ્યું કે, ચોમાસામાં ભરાયેલું પાણી ઉનાળાની ઋતુમાં ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વરસાદ ઓછો પડે અથવા કેનાલનું પાણી સમયસર ન મળે, ત્યારે આ હોલિયા દ્વારા એકથી બે વાર પિયત આપી શકાય છે. જેના કારણે પાક બચાવવામાં ખૂબ મદદ મળે છે અને ખેડૂતો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની રહે છે.
હોલિયો બનાવવાનો ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. લગભગ 20 થી 25 ફૂટ પાઈપ નાખી, તેમાં કપચી ભરી અને મજૂરી સહિત કુલ મળીને આશરે 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચમાં હોલિયો તૈયાર થઈ જાય છે. જો કે તેના બદલામાં ખેડૂતોને પાક બચાવવાથી અને ઉત્પાદન વધવાથી લાખો રૂપિયાનો લાભ મળી શકે છે.
જયંતીભાઈના જણાવ્યા મુજબ, આ હોલિયામાંથી મળતું પાણી પીવા માટે પણ ખૂબ શુદ્ધ અને ઠંડુ હોય છે, જે મિનરલ વોટર જેવી ગુણવત્તાવાળું લાગે છે. તેથી ખેતી ઉપરાંત પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
તેમણે અન્ય ખેડૂતોને પણ અપીલ કરી છે કે, દરેક ખેતરમાં આવા રિચાર્જ કૂવા અથવા હોલિયો બનાવવામાં આવે તો વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થશે અને ભૂગર્ભ જળ સ્તર પણ વધશે. ગુજરાત સરકારનું “કેચ ધ રેઇન” અભિયાન ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે અને પાણી સંચય દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી શકે છે.
