Patan News: પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટ સીલ કરવાની કામગીરી કરવામાં આવનાર હતી. જોકે, હાલ પૂરતી આ કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે.
આજે વર્ષ 2025 નો છેલ્લો દિવસ છે, જેની ઠેરઠેર ઉજવણી થતી હોય છે. આ માટે મોટાભાગનો પોલીસ સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. આથી સીલની કામગીરી માટે પાલિકા તંત્રને પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળતા કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
પાટણ પાલિકાની સિલીંગ કામગીરી મોકૂફ
નોંધનીય છે કે, પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 40 થી વધુ ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટો કાર્યરત છે. પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર પાલિકા ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે કસુંબીયા પાડા વિસ્તારમાં આવા એકમોને સીલ કરવા પહોંચ્યા હતી. જોકે, આજે મોટાભાગનો પોલીસ સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત છે, જેના કારણે પાલિકાની કામગીરી માટે જરૂરી વધારાનો બંદોબસ્ત ફાળવી શકાયો નહતો.
આ પણ વાંચો
ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટો સામેની કાર્યવાહી
નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ એકમો જરૂરી મંજૂરી કે નિયમોના પાલન વગર કાર્યરત છે. આ અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં અન્ય સંબંધિત વિભાગોને સાથે રાખીને કોર્ટના આદેશોને અનુલક્ષીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા તંત્રએ સીલ કરવાની પ્રક્રિયા મુલતવી રાખી માત્ર સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: ધારાસભ્ય કિરીટ પટેલનો યૂ-ટર્ન, હાઇકમાન્ડ સાથે વાતચીત બાદ દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ
વેપારી આગેવાને કર્યો પાલિકા તંત્ર પર આક્ષેપ
બીજી તરફ, પાટણ પાલિકાની આ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સમાજના આગેવાનો અને કોર્પોરેટરો એકત્ર થયા હતા. વેપારી આગેવાન કાસમઅલીએ પાલિકાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, નગરપાલિકાએ 22/12/2025 ના રોજ નોટિસ આપી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે અને હાલ આ મામલો ન્યાયાધીન છે. નગરપાલિકા પાસે આવા એકમોને સીલ મારવાની કે લાઇસન્સ આપવાની કોઈ કાયદેસરની સત્તા નથી. તેમનું કાર્ય માત્ર સાફ-સફાઈ જોવાનું છે.
અગાઉ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ કરી દંડ વસૂલ્યો હતો, જે વેપારીઓએ ભરી દીધો છે. વેપારીઓ દ્વારા વારંવાર NOC માટે અરજી કરવા છતાં પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જો પાલિકા સમયસર NOC આપે તો વેપારીઓ તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે. હાલમાં આ મામલે વેપારીઓએ કાયદેસરની લડત આપવાની તૈયારી દર્શાવી છે.
