Kirit Patel Resignation Update: ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદમાં એક નવો વળાંક આવ્યો છે. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ આજે દંડક પદેથી રાજીનામું આપવાના હતા. જોકે હાઇકમાન્ડ સાથે થયેલી ચર્ચાઓ બાદ તેમણે રાજીનામું આપવાના પોતાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. કિરીટ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ "પ્રેશર ટેકનિક" નહોતી, પરંતુ પક્ષમાં સિદ્ધાંતો અને શિસ્ત જાળવવા માટેની "લડાઈ" હતી. તેમણે પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓને હોદ્દા અપાવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
હાઇકમાન્ડે ખાતરી આપતા રાજીનામાનો નિર્ણય મોકૂફ રાખ્યો
ધારાસભ્ય કિરીટ પટેલના જણાવ્યા અનુસાર, તેમની નારાજગી મુખ્યત્વે બે મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. પ્રથમ, રાધનપુરમાં બનેલી એક ઘટના, જે પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂમાં બની હતી. બીજું અને મુખ્ય કારણ પાટણ એસસી સેલમાં કરવામાં આવેલી નિમણૂકો હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીઓમાં તેમના વિરુદ્ધમાં કામ કરનારા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા કેટલાક લોકોને પ્રદેશ કક્ષાએ હોદ્દા આપવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના હાઈકમાન્ડ સાથે કિરીટ પટેલની લાંબી ચર્ચા થઇ હતી. તેમને ખાતરી આપવામાં આવી હતી કે 4 જાન્યુઆરી પછી તેમના વિરોધીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની નિમણૂકો રદ કરવામાં આવશે.
સમય આવશે ત્યારે પક્ષના ગદ્દારોના નામ જાહેર કરીશ
કિરીટ પટેલે આ અંગે જણાવ્યું કે, અમારી મુખ્ય બે માંગણીઓ હતી. એક તો રાધનપુરની ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને બીજી કે પાટણ એસસી સેલમાં અમારા વિરુદ્ધ કામ કરનારા લોકોની નિમણૂકો તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરનારા અને તેમને ભાષણ રોકવાનો પ્રયાસ કરનારાઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી હતી.
પ્રદેશ મોવડી મંડળે અમને વિશ્વાસ અને બાંહેધરી આપી છે કે જે લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે એક્શન લેવામાં આવશે અને અમારા વિરુદ્ધ કામ કરનારા વ્યક્તિઓને પ્રદેશ કક્ષાએથી રદ કરવામાં આવશે. આ ખાતરીના આધારે જ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય રદ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, સમય આવશે ત્યારે પક્ષના ગદ્દારોના નામ જાહેર કરીશ.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમારા એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂક બાબતનો વિવાદ છે. બધા ઘર બેસીને એનું સમાધાન પણ થશે અને બધાની સંમતિથી નવી નિમણૂકો કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે આંતરિક મતભેદોને વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવશે.
