Patan News: પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય સ્તરે વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી પંચાયત વેરાની સમયસર અને 100% વસુલાતને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પંચાયત વેરાની 100% વસુલાત કરનાર જિલ્લાની કુલ 33 ગ્રામ પંચાયતોના 31 તલાટી કમ મંત્રીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતા.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 100 ટકા પંચાયત વેરા વસુલાતની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર પાટણ જિલ્લાની કુલ 33 ગ્રામ પંચાયતોના 31 તલાટી કમ મંત્રીને આજે 7 નવેમ્બર, શનિવારના રોજ વિશેષ ઉપલબ્ધિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ તલાટી કમ મંત્રીઓએ પંચાયત વેરાની 100% સમયસર વસુલાત કરી છે.
આ સન્માન સમારોહમાં પાટણના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સી.એલ. પટેલના હસ્તે આ તમામ કર્મનિષ્ઠ તલાટી કમ મંત્રીઓને વિશેષ ઉપલબ્ધિ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આવી શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) આર. કે. મકવાણા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) સુશ્રી હર્ષાબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત વેરાની 100% વસૂલાતની આ સિદ્ધિ ગ્રામ પંચાયતોના વહીવટી તંત્રની કાર્યદક્ષતા, જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે.
