Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં કાકા-ભત્રીજીના પવિત્ર સંબંધને કલંકિત કરતી શરમજનક ઘટના સામે આવી છે. દુકાનેથી સાબુ લેવા નીકળેલી 12 વર્ષની સગીર બાળકીને પડીકું લઇ આપવાની લાલચ આપીને તેના 40 વર્ષીય સગા કાકાએ દુષ્કર્મ આચર્યુ છે, ઘટના બાદ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરુ કરી છે.
સગા કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું
મળતી માહિતી પ્રમાણે, ચાણસ્માના એક ગ્રામ્ય પંથકમાં રહેતી 12 વર્ષીય બાળકી પોતાના ઘરેથી નજીકની દુકાને સાબુ લેવા નીકળી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતા તેના 40 વર્ષીય અપરિણિત કાકાએ તેને ખાવાનું પડીકું અપાવવાની લાલચ આપી સાથે આવવા કહ્યું હતું. રસ્તામાં બાવળની ઝાડીઓ વાળા ખેતરમાં લઈ જઈને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી
બાળકી પર દુષ્કર્મની ગોઝારી ઘટના બાદ બાળકી અસહ્ય પીડા અને ગભરાટને લીધે તે બેભાન થઈ ગઇ હતી. આરોપીએ બાળકીને ધમકી આપી કે, જો આ વાત કોઇને કહીશ તો તારા ભાઇને જાનથી મારીને કેનાલમાં ફેંકી દઇશ. ધમકી બાદ આરોપી નાસી છૂટયો હતો.
ભાનમાં આવ્યા બાદ બાળકી રડી રહી હતી. તે અરસામાં માતા-પિતા બાળકીની શોધખોળ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં બાળકી મળી આવતા, માસૂમ બાળકીએ પોતાની સાથે બનેલી આપવીવી વર્ણવી હતી. આ ઘટના જાણતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી,
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી
ઘટના અંગે પીડિત પરિવારે આરોપી સામે ચાણસ્મા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા પીઆઈ જીગર પટેલના જણાવ્યા પ્રમાણે, આરોપી કાકા સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકીનું મેડિકલ ચેકઅપ બાદ ઘટના સ્થળે એફએસએલની મદદથી પંચનામુ હાથ ધરાયુ છે. આ ઘટનાના ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
