ડાકલાના તાલે ધૂણતા-ધૂણતા જ ભુવાજી જમીન પર પટકાયા, રૂંવાડા ઊભા કરી દેતો લાઈવ વીડિયો થયો વાયરલ!

પાટણના હાંસાપુર ખાતે બારોટ સમાજની રમેલમાં ડાકલાના તાલે ધૂણતા હારીજના અડિયા ગામના અમરત જાદવનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જાણો સમગ્ર ઘટનાની વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 16 Nov 2026 11:17 PM (IST)Updated: Mon, 16 Nov 2026 11:17 PM (IST)
patan-bhuvaji-dies-during-dakla-performance-viral-video

Patan News: ધાર્મિક આસ્થા અને ભક્તિના માહોલ વચ્ચે પાટણમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ખબર સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના હાંસાપુર વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં શનિવારે રાત્રે બારોટ સમાજ દ્વારા આયોજિત માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. ડાકલાના તાલે ધૂણી રહેલા હારીજ તાલુકાના અડિયા ગામના વતની અમરત જાદવ અચાનક ચાલુ કાર્યક્રમમાં જમીન પર ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે.

ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાયો

મળતી માહિતી મુજબ, શનિવારની રાત્રે આસોપાલવ સોસાયટીમાં પરિવાર અને સમાજના સહયોગથી માતાજીની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનમાં આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યો હતો અને ઢોલ તથા ડાકલાના તાલે ભુવાજી અમરતભાઈ માતાજીના ભાવમાં ધૂણી રહ્યા હતા. વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય હતું, ત્યારે જ અચાનક અમરતભાઈની તબિયત લથડી અને તેઓ સ્ટેજ કે જમીન પર બેભાન થઈને ફસડાઈ પડ્યા હતા.

સ્થળ પર મચી ગઈ દોડધામ, વાયરલ થયો વીડિયો

ચાલુ રમેલે ભુવાજી અચાનક બેભાન થઈને ઢળી પડતાં ત્યાં ઉપસ્થિત લોકો એક ક્ષણ માટે કંઈ સમજી જ ન શક્યા. આસપાસના લોકો તરત જ તેમની મદદે દોડી આવ્યા હતા. આ સમગ્ર આઘાતજનક ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખુશી અને ઉમંગથી ભરેલો માહોલ એક જ ક્ષણમાં આઘાત અને શોકમાં બદલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક પરિવારજનો તેમને નજીકની ખાનગી હોસ્પિટલ તરફ દોડાવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા.

અગાઉથી ગંભીર બીમારીથી પીડાતા હતા અમરતભાઈ

આ દુર્ઘટના પાછળનું અસલી કારણ શું હતું તે અંગે મૃતકના પુત્ર શૈલેષભાઈએ વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, શનિવારે યોજાયેલો આ પ્રસંગ સામાજિક સંબંધો અને પરિવારનો જ હતો, જેમાં પરિવારના તમામ સભ્યો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. પરંતુ અમરતભાઈ અગાઉથી જ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલા હતા.

લગભગ સાત મહિના અગાઉ તેમને પહેલીવાર હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે જ્યારે ડૉક્ટરો પાસે તપાસ કરાવી ત્યારે રિપોર્ટ્સ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. અમરતભાઈના હૃદયની કુલ 18 થી 19 નળીઓમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. જેમાં ઉપરની 3 મુખ્ય નળીઓ ઉપરાંત 15 થી 16 નાની નળીઓ સંપૂર્ણ બંધ જેવી સ્થિતિમાં હતી. હૃદયનો ડાબો ભાગ 100 ટકા અને જમણો ભાગ 75 ટકા બ્લોક થઈ ગયો હોવાથી તબીબોએ બાયપાસ સર્જરીનું જોખમ લેવાની સાફ ના પાડી દીધી હતી. ત્યારથી તેઓ માત્ર નિયમિત દવાઓના સહારે જ જીવન વિતાવી રહ્યા હતા.

દોઢ-બે કલાકની જહેમત પણ ન આવી કામ

શનિવારે રાત્રે રમેલ દરમિયાન શારીરિક શ્રમ અને ઉત્તેજના વચ્ચે તેમને ફરીથી તીવ્ર હૃદયરોગનો હુમલો (મેજર હાર્ટ એટેક) આવી ગયો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે દોડ્યા હતા. ડૉક્ટરોની ટીમે પણ તેમનો જીવ બચાવવા માટે અથાક પ્રયાસો કર્યા હતા. આશરે દોઢથી બે કલાક સુધી સતત ચાલેલી સારવાર અને ઇમરજન્સી ઉપચાર પણ કારગાર ન નીવડ્યા અને આખરે અમરતભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.

ચાલુ ધાર્મિક કાર્યક્રમમાં બનેલી આ આકસ્મિક ઘટનાના કારણે તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અડિયા ગામ તેમજ સમગ્ર બારોટ સમાજમાં આ સમાચાર ફેલાતા જ શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ આ શોકજનક વિદાયથી સ્તબ્ધ છે.