અંબાજી ભાદરવી પૂનમ મેળો:પાટણમાં બગવાડા દરવાજે મહાઆરતી બાદ વિવિધ પદયાત્રા સંઘોનું અંબાજી તરફ પ્રયાણ

અંબાજી ભાદરવી પૂનમ મેળા નિમિત્તે પાટણના બગવાડા દરવાજે મહાઆરતીનું આયોજન કરાયું. મહાઆરતી બાદ 'બોલ માડી અંબે'ના નાદ સાથે વિવિધ પદયાત્રા સંઘો અંબાજી તરફ રવાના થયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 23 Sep 2026 08:19 AM (IST)Updated: Wed, 23 Sep 2026 08:19 AM (IST)
bhadarvi-poonam-mela-patan-bagwada-darwaja-maha-aarti-padyatra-sangh-ambaji-prayan

Ambaji Bhadarvi Poonam Mela 2026: શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. સાત દિવસ ચાલનારા આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માતાજીના દર્શન કરવા આવે છે. ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ શહેરમાંથી હજારો માઈભક્તો માતાજીના રથ સાથે અંબાજી તરફ રવાના થયા હતા. આ ભક્તોએ મા જગદંબાના જય જયકાર સાથે પ્રયાણ કર્યું હતું.

પાટણ શહેરથી પદયાત્રીઓનું પ્રયાણ

શહેરના બગવાડા દરવાજા પાસે અંબાજી જતા પદયાત્રીઓ માતાજીના રથ સાથે એકઠા થયા હતા. અહીં સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી, જેનાથી ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. આરતી બાદ ભક્તો અંબાજી જવા માટે આગળ વધ્યા હતા.

અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ પૂનમના મેળામાં જવા માટે પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માના ભક્તો પગપાળા ચાલીને મા જગતજનનીના ચરણોમાં શીશ નમાવવા જાય છે. આ વર્ષે પણ હજારો માઈભક્તોએ માતાજીના રથડા લઈ 'બોલ માડી અંબે'ના જયકાર સાથે અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

પાટણથી સોમવારે સંઘો રવાના થયા

સોમવારે રાત્રે પાટણ શહેરમાંથી ઝીણીપોળ યુથ કલબનો જય અંબે પગપાળા સંઘ, ગુર્જરવાડા યુથ કલબ, નાગરલીમડી યુવક મંડળ, બીએસપી યુવક મંડળ, હરસિદ્ધ પગપાળા સંઘ, શાહના પાડાનો મણીભદ્ર યુવક મંડળ, રાજપુર યુવક મંડળ, દ્વારકેશ યુવક મંડળ, બળીયાપાડા, કસારવાડા યુવક મંડળ, અનાવાડા પાટીદાર યુથ કલબ અને લોટેશ્વર યુવક મંડળ સહિતના સંઘો રવાના થયા હતા.

આ તમામ મંડળો માતાજીની માંડવીઓ અને ધજા સાથે 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદ સાથે પોતપોતાના મહોલ્લામાંથી વાજતે ગાજતે બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા. તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતાં એક ધાર્મિક મેળાવડો જામ્યો હતો.

ભક્તોએ માતા અંબેનો જયજયકાર કર્યો

અહીં આચાર્ય મહામંડલેશ્વર 1008 મહંત જાનકીદાસ બાપુ, શ્રી રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, ધરણીધર ઢીમા, સ્વચ્છતા સૈનિકો અને સામાજિક આગેવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે માતાજીની ગરબીઓની સામૂહિક મહાઆરતી કરવામાં આવી હતી. ભક્તોએ મા જગદંબાનો જય જયકાર કર્યો હતો અને ત્યારબાદ અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. સંઘોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો માતાજીની માંડવી સાથે બગવાડા સુધી આવ્યા હતા, જેના કારણે બગવાડા ચોકમાં 'બોલ માડી અંબે જય જય અંબે'નો નાદ ગુંજી ઉઠ્યો હતો.