‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ: 43.01 લાખ માઈભક્તોએ મા અંબાને આપ્યું નવરાત્રિનું ભાવભર્યું આમંત્રણ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ. 7 દિવસમાં 43.01 લાખ માઈભક્તોએ માં અંબાના દર્શન કરી નવરાત્રિનું આમંત્રણ આપ્યું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 08:15 AM (IST)Updated: Sun, 27 Sep 2026 08:15 AM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-devotees-navratri-invitation-donation

Ambaji Bhadarvi Poonam Mela 2026: શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં આજે પાવન ભાદરવી પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. માં અંબાના દર્શન માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામ ખાતે ઉમટી પડતાં સમગ્ર યાત્રાધામ ભક્તોના ઘોડાપૂરથી છલકાઈ ઉઠ્યું હતું. ચારેય તરફ ‘જય અંબે’, ‘બોલ માડી અંબે’ના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું. ભાદરવી પૂનમના અંતિમ દિવસે માતાને સાંજ સુધીમાં 4.81 લાખ ભક્તોએ માતાના દર્શન કરીને ધન્ય બન્ચા હતા.

મહામેળાના અંતિમ દિવસે ભક્તોનું ઘોડાપૂર

ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી તરફ આવતા તમામ માર્ગો પર પદયાત્રીઓ અને વિવિધ સંઘોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. માઈભક્તો ધજા, ચુંદડી અને માતાજીની ભક્તિ સાથે પગપાળા અંબાજી તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. લાંબી પદયાત્રાનો થાક પણ ભક્તોના ઉત્સાહ અને માં અંબાના દર્શનની આતુરતા સામે જાણે ઓસરી ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાત દિવસમાં કુલ 43.01 લાખ માઈભક્તોએ નવલી નવરાત્રિમાં માં અંબાજીને પધારવાનું ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું. સાત દિવસીય મહામેળામાં ભક્તોએ માતાના ચરણોમાં 2.16 કરોડનું દાન અર્પણ કર્યું હતું.

અંબાજી ધામ બન્યો ભક્તિનો મહાકુંભ

અંબાજી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અબાલવૃદ્ધ સહિત સૌ કોઈ માં અંબાના દર્શન માટે આતુર બન્યા હતા. મંદિર પરિસર તરફ આગળ વધતા માઈભક્તોના ચહેરા પર ભક્તિભાવ અને હૃદયમાં માં અંબાના દર્શનની શ્રદ્ધા સ્પષ્ટપણે જોવા મળી હતી. અનેક સંઘો દ્વારા ભજન-કીર્તન અને જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમના આ પાવન દિવસે અંબાજી ધામ જાણે આસ્થા અને ભક્તિનો મહાકુંભ બની ગયું હતું.

માઈભક્તોએ માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

અરવલ્લીની ગિરિમાળાઓના રમણીય સાનિધ્યમાં વસેલું અંબાજી ધામ લાખો માઈભક્તોના આગમનથી ભક્તિમય બની ઉઠ્યું હતું. અંબાજીના માર્ગો, ચોક-ચોરાહાઓ અને આસપાસનો સમગ્ર વિસ્તાર માઈભક્તોની અવરજવરથી ધમધમી રહ્યો હતો. માં અંબાના દર્શન કરીને ભક્તોના હૃદયમાં અનેરો આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલતી આવતી આસ્થાની પરંપરાને જાળવી રાખતાં વિવિધ સ્થળોથી આવેલા માઈભક્તોએ ભાદરવી પૂનમના પાવન દિવસે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

શ્રદ્ઘાળુઓએ આકરી માનતા પૂર્ણ કરી

ઘણા ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને કે દંડવત્ત કરતાં આગળ વધી રહ્યું હતું. આજે ભાદરવી પૂનમના પાવન પર્વે અંબાજીમાં ઉમટેલું ભક્તોનું ઘોડાપૂર માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશભરમાં માં અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિની જીવંત અનુભૂતિ કરાવતું દૃશ્ય બની રહ્યું હતું. સમગ્ર અંબાજી ધામમાં ‘જય અંબે’ના નાદ સાથે ભક્તિ, શ્રદ્ધા, આનંદ અને ઉલ્લાસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.